હવે વડોદરામાં પોલીસ વાન પર ટ્રક ચડાવાનો પ્રયાસ : એક જવાન ઘાયલ

22 July 2022 11:09 AM
Vadodara Gujarat Top News
  • હવે વડોદરામાં પોલીસ વાન પર ટ્રક ચડાવાનો પ્રયાસ : એક જવાન ઘાયલ

નેશનલ હાઇવે પર ‘ફિલ્મી ચેઇઝ’ બાદ અડધી કલાકે ટ્રકચાલકને ઝડપી લેવાયો

વડોદરા,તા. 22
ધોરીમાર્ગો પર પોલીસને કચડીને હત્યા નિપજાવવાના બે દિવસમાં ત્રણ બનાવ બન્યા બાદ હવે વડોદરામાં પોલીસ વાનને ટક્કર મારવાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે. એક પોલીસ જવાનને ઇજા થઇ હતી. જો કે ટકકર મારનાર ટ્રક ચાલકને તૂર્ત પકડી પાડવામાં આવ્યો હતો.

આણંદના બોરસદમાં ટ્રકચાલકે હાઈવે પર પોલીસને કચડી નાખ્યા બાદ ગઇકાલે વડોદરામાં ટ્રકને રોકવાનો પોલીસે પ્રયત્ન કરતાં ચાલકે પોલીસ વાનને જ ટક્કર મારી દીધી હતી અને નાશી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસ દ્વારા પીછો કરીને અડધી કલાકની મહેનત બાદ તેને પકડી પાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર નાંદેશ્રી પોલીસે ટ્રકને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકે વાહન ભગાડી મુક્યું હતું. પોલીસે તેનો પીછો કર્યો હતો અને વાસદ ટોલનાકા પર તેને ફરી અટકાવ્યો હતો ત્યારે ટ્રકચાલકે પીસીઆર વાનને ટકક્ર મારી દીધી હતી. પોલીસ વાનના ચાલકે જો કે હિંમત હાર્યા વિના ફરીથી પીછો કર્યો હતો.

છે વટે છાણી પોલીસે ટ્રકને અટકાવી દીધો હતો. 30 મીનીટ સુધી આ ફિલ્મી ચેઇઝ ચાલી હતી. ટ્રકની ટક્કરથી પોલીસ વાનના ડ્રાઈવર રામદાસ મેડાને ઇજા થઇ હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર યુસુફ રામજાની અને મોહસીન મીઠાની ધરપકડ કરી હતી. ટ્રકમાં અન્ય ત્રણ શખ્સો પણ હાજર હતા. જેઓ નાશી છુટ્યા હતા. ટ્રકમાં ચોરીનો સામાન હોવાથી ચાલકે ઉભા રહેવાને બદલે નાસી જવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કલમ 307 હેઠળ હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના બોરસદમાં બુધવારે પોલીસ કોન્સ્ટેબલ કિરણ રાજને ટ્રકચાલકે કચડી નાખ્યા હતા અને નાશી ગયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement