4Gના દરે જ 5G સેવા: ટેલીકોમ કંપનીઓ માટે ઉંચા દર વસુલવાનું મુશ્કેલ

28 July 2022 11:24 AM
India Technology
  • 4Gના દરે જ 5G સેવા: ટેલીકોમ કંપનીઓ માટે ઉંચા દર વસુલવાનું મુશ્કેલ

* ફાઈવ-જી સ્પેકટ્રમ માટે કંપનીઓએ સ્પર્ધાત્મક બીડ ન કરી: રિલાયન્સ જીઓએ સૌથી વધુ પૈસા ખર્ચ્યા

* દેશમાં ફાઈવ-જી નેટવર્ક માટે ગ્રાહકો હજુ તૈયાર નથી: 60 કરોડ સ્માર્ટ ફોન યુઝર્સમાંથી ફકત 5થી7 ટકા પાસે જ ફાઈવ-જી સેવા માટે સાનુકુળ હેન્ડસેટ છે

* વિશ્વમાં મોટાભાગના દેશોમાં ફાઈવ-જી સેવામાં કોઈ પ્રીમીયમ ચાર્જ વસુલાયા નથી: દેશમાં ફકત મેટ્રો સર્કલમાં જ ફાઈવ-જી સેવાનો પ્રારંભ થવાની શકયતા

મુંબઈ તા.28
દેશમાં ફાઈવ-જી સ્પેકટ્રમની લીલામીમાં સરકાર રૂા.80થી90 હજાર કરોડના સ્પેકટ્રમ વેચાણની આશા રાખતી હતી પરંતુ ત્રણ ટેલીકોમ કંપનીઓ તથા અદાણી-ડેટા દ્વારા કરાયેલી બીડમાં રૂા.1.49 લાખ કરોડની આખરી બોલી આવી છે અને હજુ પણ તેમાં વધુ ઉંચે જઈ શકે છે. તે વચ્ચે આગામી સમયમાં ટેલીકોમ કંપનીઓ તેના ગ્રાહકોને ફાઈવ-જી સેવા માટે તૈયારી કરી રહી છે.

પરંતુ ખાસ કરીને ફાઈવ-જી સેવાના ભાવ હાલ પ્રથમ તબકકે ફોર-જી સેવા જેટલા જ રહેશે તેવો નિષ્ણાંતોનો અંદાજ છે અને ખાસ કરીને દેશમાં મનોરંજન, કોમ્યુનીકેશન તથા ઉદ્યોગો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી બનશે. વાસ્તવમાં ટેલીકોમ કંપનીઓ જે હાલ આર્થિક પડકારોનો સામનો કરી રહી છે તેઓ ફાઈવ-જી સેવા માટે પ્રિમીયમ દર વસુલે તેવી અપેક્ષા રાખતી હતી. પરંતુ કંપનીઓ માટે નવા ઉંચા દર નકકી કરતા પુર્વે અનેક ફેકટરોનો વિચાર કરવો પડશે.

વૈશ્વિક દ્રષ્ટીએ જોઈએ તો ફાઈવ-જી સેવા માટે મોટાભાગના દેશોમાં ભાગ્યે જ કોઈ ઉંચુ પ્રીમીયમ વસુલાયુ છે. ભારતમાં પ્રથમ તબકકે ફાઈવ-જી સેવા મેટ્રો સર્કલમાં અને ખાસ કરીને જયાં વસ્તીની ગીચતા વધુ હોય ત્યાં શરુ થશે પરંતુ જો તેમાં પ્રીમીયમ વસુલાય તો મોટાભાગના ગ્રાહકો માટે તે આકર્ષણ બનશે નહી. ખાસ કરીને ફાઈવ-જી સેવા માટે હાઈ સ્પીડ અને કનેકટીવીટી બંને સૌથી મહત્વના ફેકટર બની રહેશે.

વિશ્વના અન્ય દેશોમાં ટેલીકોમ કંપનીઓએ જયાં ફાઈવ-જી સેવા લોન્ચ કરી છે ત્યાં પ્રીમીયમ વસુલ્યુ નથી અને સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં અંદાજે 60 કરોડ સ્માર્ટ ફોન ઉપયોગકર્તાઓમાં ફકત 5થી7 ટકા સ્માર્ટફોન યુઝર્સ પાસે ફાઈવ-જી સેવા મેળવી શકે તેવા હેન્ડસેટ છે અને તેથી ફાઈવ-જી સેવાનો ઉપયોગ મર્યાદીત ગ્રાહકો જ કરી શકશે.

આ ઉપરાંત ભારતમાં ફાઈવ-જી મોબાઈલ હેન્ડસેટના ભાવ પણ અત્યંત ઉંચા છે. ક્રિશીલ રિસર્ચના અહેવાલ મુજબ વૈશ્વિક દ્રષ્ટીએ ટેલીકોમ કંપનીઓની આવકમાં 5 ટકા આવક જ ફાઈવ જી સેવામાંથી આવે છે. ભારતની ટેલીકોમ કંપનીઓએ લાંબી સ્પર્ધા કરી છે અને હજુ પણ સતત ભાવ વધારવાના માર્ગે છે. ફોર-જીનો જયારે પ્રારંભ કરાયો ત્યારે તેના ટેરીફ થ્રી-જી સેવાની આસપાસ જ રખાયા હતા અને તબકકાવાર વધારાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement