નવી દિલ્હી: દુનિયાભરમાં લોકપ્રિય બનેલા માઈક્રોબ્લોગીંગ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટવીટર પર તમામ દેશોની સરકારોની નજર રહે છે અને હાલમાં જ ટવીટરે જાહેર કર્યુ કે તેની પાસેથી વિવિધ સરકારોએ માંગેલી માહિતી પરથી 40% યુઝર્સની માહિતી જે તે દેશની સરકારોને આપી હતી અને આ સરકારોની સૂચના મુજબ 60000 ટવીટર હેન્ડલ કે ટવીટ સામે કાર્યવાહી (ફલેગ કરવા- ડીલીટ કરવા- કે હેન્ડલ ફ્રીઝ કરવા) કરી હતી. જેમાં અમેરિકા સૌથી આગળ છે.
ફકત ભારત જ નહી દુનિયાભરની સરકારો ‘ટવીટર’થી ભડકે છે અને ખાસ કરીને પત્રકારો-મીડીયાના ટવીટર એકાઉન્ટ પર સૌથી વધુ વોચ રહે છે. હાલમાં જ ટવીટર ઈન્ડીયાએ બેંગ્લોર હાઈકોર્ટમાં એવો ખુલાસો કર્યો છે. કેન્દ્ર સરકાર ટવીટર-યુઝર્સની જે માહિતી માંગી રહી છે તે જો આપીએ અને સરકાર ટાર્ગેટ કરે તે ટવીટ કે ટવીટર હેન્ડલ ફોલો કરીએ તો અમારે અહી બીઝનેસ જ બંધ કરવો પડે.
હાલ ટવીટર એ માઈક્રોબ્લોગીંગ માટે સૌથી મોટું શસ્ત્ર છે અને હાલમાં જ ટવીટરે આપેલી માહિતી મુજબ અમેરિકા સહિત દુનિયાભરની સરકારો તેની અવારનવાર ટવીટર હેન્ડલ અંગે માહિતી માંગે છે અને ટવીટરના 40% યુઝર્સ દુનિયાની સરકારોના ટાર્ગેટ પર છે. ટવીટરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે સરકારો ઈચ્છે છે કે તે જે ટવીટ કરે તે ટવીટર હટાવી લે અથવા તો તેના હેન્ડલની ખાનગી માહિતી પણ ટવીટર આ સરકારોને આપે.
ટવીટરની સુરક્ષા અને પ્રોટોકોલ બાબતોના વડા બોયલ સ્મિથના જણાવ્યા મુજબ સરકાર કાનૂની જોગવાઈ કરીને અમારા યુઝર્સને ખુલ્લા પાડવા માટે સતત સક્રીય રહે છે. જો કે ભારતમાં સરકાર વારંવાર ટવીટર હેન્ડલ અંગે માહિતી માંગે છે પણ વિશ્વના સૌથી જૂના લોકશાહી દેશ અમેરિકા ટવીટર યુઝર્સને ટાર્ગેટ કરવામાં નંબર વન છે અને આ કેસમાં ભારત તો ઘણું પાછળ છે.
કમીટી ટુ પ્રોટેકટ જર્નાલીસ્ટના ડિરેકટર રોબ-મહોલીના જણાવ્યા મુજબ મોટાભાગની સરકાર તેના ટીકાકારોને અથવા સરકારોને જે ન ગમે તેવું ‘સત્ય’ જારી કરનારને ટાર્ગેટ કરી તેને ચૂપ કરવા કોશીશ કરે છે.