ભારે-ભરખમ ભાડું, મંકીપૉક્સનો ખતરો છતાં વિદેશ જવાનો ‘ચસ્કો’ ભારતીયોને ઉતરતો નથી !

02 August 2022 11:55 AM
India Travel World
  • ભારે-ભરખમ ભાડું, મંકીપૉક્સનો ખતરો છતાં વિદેશ જવાનો ‘ચસ્કો’ ભારતીયોને ઉતરતો નથી !

સઉદી અરબ, સિંગાપુર, ફ્રાન્સ સહિતના દેશોમાં જવા માટે ચિક્કાર ધસારો: આંતરરાષ્ટ્રીય ઉડાનો કોવિડ પહેલાંના સ્તરે પહોંચી ગઈ

નવીદિલ્હી, તા.2
ફ્લાઈટના ભાડા આકાશને આંબી રહ્યા છે અને મંકીપૉક્સનો ડર પણ ફેલાયેલો છે. અમુક યુરોપી દેશો તરફથી વિઝા સંબંધિત મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. અહેવાલો પ્રમાણે આટઆટલી અડચણો છતાં ભારતીયોમાં વિદેશ જવાની કામના ઓછી થઈ નથી.

ઑનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ અને એરલાઈન્સના વિદેશ માટે ટિકિટ બુકિંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વિમાનન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ભારતીય વિમાની કંપનીઓએ પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાનો ઉપર કોવિડથી પહેલાંના સ્તર કરતાં વધુ મુસાફરો મળી રહ્યા છે.

ભારતની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડીગોને અરબ દેશો માટે કોવિડ પહેલાંની જે સ્થિતિ હતી તેની તુલનાએ વધુ મુસાફરો મળી રહ્યા છે. આ મામલે અવગત એક વ્યક્તિએ કહ્યું કે યુએઈ અને સઉદી અરબ માટે જનારી ફ્લાઈટોમાં યાત્રિકોની સંખ્યા વધુ છે. વિસ્તારાની અમુક ફ્લાઈટોમાં પેસેન્જર લોડ ફેક્ટર 80% અથવા તેનાથી પણ વધુ છે.

અરબ દેશોના આકર્ષણનું કારણ ફીફા વર્લ્ડકપ છે. કતર ટુરિઝમના પ્રવક્તા દેવિકા નિઝાવને કહ્યું કે ફીફા વર્લ્ડકપ શરૂ થવામાં હજુ ચાર મહિનાનો સમય બાકી છે જેને લઈને જોવા મળી રહેલી ભારતની પ્રતિક્રિયા જબદરસ્ત છે. ફીફા વર્લ્ડકપ માટે અમે 10 લાખથી વધુ પર્યટકો આવે તેવી શક્યતા સેવી રહ્યા છીએ.

સિંગાપુર જનારા મુસાફરોની સંખ્યા પણ સારી એવી જોવા મળી રહી છે. એક જાણકારના જણાવ્યા પ્રમાણે આ દેશે એન્ટ્રીના અમુક નિયમો સરળ બનાવ્યા છે. આ વર્ષના પહેલાં છ-માસિક ગાળામાં સિંગાપુર 15 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા જેમાં ભારતના 2.19 લાખ લોકો સામેલ છે.

સિંગાપુર ટુરિઝમ બોર્ડના ડાયરેક્ટર જી.વી.શ્રીધરે કહ્યું કે, જૂલાઈમાં સિંગાપુર પહોંચનારા મુલાકાતીઓની સંખ્યા સારી એવી રહી અને ભારતથી અમારા દેશમાં સારી એવી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે. ભારતમાં સિંગાપુર એરલાઈન્સના એક પ્રવક્તાએ જણાવ્યું કે અમે આવનારા મહિનાઓમાં અમારા ભારત નેટવર્કને મહામારી પહેલાંના સ્તર સુધી લઈ જવા પ્રયત્નો કરી રહ્યા છીએ.


Related News

Loading...
Advertisement
Advertisement