મુંબઈ: સાઉથના સ્ટાર વિજય દેવરકોંડાની ફિલ્મ ‘લાઈગર’ 25 ઓગષ્ટના રિલીઝ થઈ રહી છે. વિજય દેવરકોંડા અને હીરોઈન અનન્યા પાંડે હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે તાજેતરમાં બન્ને મુંબઈના એક મોલમાં ગયા હતા, જયાં ધાર્યા કરતા હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડતા, આ ભીડના કારણે એક યુવતી બેભાન થઈ ગઈ હતી, આટલી મોટી સંખ્યામાં ચાહકો આવતા વિજય અને અનન્યા ઈવેન્ટ અધવચ્ચે મૂકીને જતા રહ્યા હતા. નવી મુંબઈના એક મોલમાં ‘લાઈગર’ની સ્ટાર કાસ્ટ આવી હતી. ચાહકોને જાણ થઈ કે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આવ્યા છે તો મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
મોલમાં અપેક્ષા કરતા વધુ લોકો આવતા આ ભીડમાં એક યુવતી બેભાન થઈ ગઈ હતી. કેટલાક લોકોએ તેને પાણી આપ્યું હતું અને તેને ભીડમાંથી બહાર કઢાઈ હતી. ભીડ વધતા એન્કરે વિનંતી કરવી પડી હતી કે ચાહકો સ્ટેજથી પાછળ રહે. જો કે ભીડને જોતા ફિલ્મની પુરી સ્ટાર કાસ્ટ સલામતીના કારણે ઈવેન્ટ અધુરી મુકીને ચાલી ગઈ હતી.બાદમાં વિજય દેવરકોંડાએ સોશ્યલ મીડીયામાં લખ્યું- ડાર્લિંગ્સ, હું તમને ઘણો પ્રેમ કરું છું. હું તમારી સાથે વાત કરવા આવ્યો છું, પરંતુ હવે લાગતું નથી કે તે શકય બને... તમારા પ્રેમથી ગદગદીત થઈ ગયો છું.ઉલ્લેખનીય છે કે ‘લાઈગર’ પાંચ ભાષામાં રજૂ થશે.