અભિનેત્રી કેતકી દવેએ પતિના મૃત્યુના ત્રીજા દિવસે નાટક ભજવ્યું, દર્શકોએ ઉભા થઇને સ્વાગત કર્યું

02 August 2022 12:07 PM
Entertainment
  • અભિનેત્રી કેતકી દવેએ પતિના મૃત્યુના ત્રીજા દિવસે નાટક ભજવ્યું, દર્શકોએ ઉભા થઇને સ્વાગત કર્યું

* શો મસ્ટ ગો ઓન : પતિની અંતિમ ઇચ્છા સાકાર કરતી અભિનેત્રી

* કેતકી દવે એમ માને છે કે મારૂ દુ:ખ માત્ર મારૂ છે અને તેમાં બીજા લોકો કેમ ભાગીદાર થાય, જે થયું એ થયું છે

મુંબઇ, તા.2 : ગુજરાતીના જાણીતા એક્ટર રસિક દવેનું 65 વર્ષની ઉંમરમાં 29 જુલાઈના રોજ અવસાન થયું હતું. રસિક દવે છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારી હતી. છેલ્લાં 15-20 દિવસમાં તેમની તબિયત લથડી હતી. રસિક દવેએ પોતાની બીમારી દરમિયાન ઘણીવાર પત્ની કેતકી દવેને કહ્યું હતું કે તેમને કંઈ પણ થઈ જાય, પરંતુ તે ક્યારેય પોતાનું કામ બંધ કરશે નહીં. શો મસ્ટ ગો ઓન. પતિની આ છેલ્લી ઈચ્છાને માન આપીને કેતકી દવેએ પતિના મોતના ત્રીજા જ દિવસે મુંબઈના ઘાટકોપરના ખીચોખીચ ભરેલા હોલમાં નાટક ’ખેલ ખેલે ખેલૈયા’માં પર્ફોર્મ કર્યું હતું.

નાટકના ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કિરણ ભટ્ટે કહ્યું હતું, ’નાટકના કલાકારોના ઇન્ટ્રોડક્શન દરમિયાન જ્યારે કેતકી દવેનો પરિચય આપવાનો વારો આવ્યો ત્યારે દર્શકોએ ઊભા થઈને તાળીઓના ગડગળાટ વચ્ચે તેમનું સ્વાગત કર્યું હતું. કેતકી દવેએ પણ પ્રોફેશનાલિઝ્મનો પરચો આપીને આ નાટકમાં અભિનય કર્યો હતો. હેટ્સ ઓફ કેતકી દવે. દર્શકોએ કેતકી દવેને ઘણું જ માન આપ્યું હતું. આ નાટકનો 31મીના એ ચેરિટી શો હતો. 2, 6 તથા 7 તથા ઓગસ્ટે પણ આ નાટકના શો યોજાશે.’ વધુમાં કિરણ ભટ્ટે કહ્યું હતું, ’રસિક હંમેશાં કહેતો કે મને કંઈ થાય તો પણ શો ક્યારેય કેન્સલ કરતો નહીં.

આ જ વાત રસિકે કેતકીને પણ કહી હતી કે તે પણ ક્યારેય કોઈ શો કેન્સલ નહીં કરે. રસિક હંમેશાં શો મસ્ટ ગો ઓનમાં માનનારો હતો. કેતકીએ નાટકમાં સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું હતું. અમે કેતકી સાથે કોઈ દુ:ખની વાત કરી નહોતી. આટલું જ દર્શકોએ પણ કેતકી દવેને એ જ રીતે સપોર્ટ આપ્યો હતો.’ કિરણ ભટ્ટે કેતકી દવે અંગે વાત કરતાં કહ્યું હતું, ’કેતકી એમ માને છે કે મારું દુ:ખ માત્ર મારું છે અને તેમાં બીજા લોકો કેમ ભાગીદાર થાય. જે થયું એ થયું છે. આ વાત કેતકીને વારસામાં મળી છે. તેમના પરિવારમાં વર્ષોથી આ રીતે ચાલતું આવ્યું છે. સરિતાબેન (સરિતા જોષી, કેતકી દવેના માતા તથા જાણીતા એક્ટ્રેસ) પણ આમ કરતાં હતાં.’

કિરણ ભટ્ટે કહ્યું હતું, ’આ નાટકનો પહેલો શો જૂનમાં યોજાયો હતો. 27 દિવસની અંદર આ નાટકના અત્યાર સુધી 26 જેટલા શો યોજાઈ ગયા છે. આ નાટકની તૈયારીના ભાગ રૂપે તમામ કલાકારોએ ત્રણથી છ વાર રિહર્સલ કર્યું હતું. અન્ય એક ઇન્ટરવ્યૂમાં કેતકી દવેએ કહ્યું હતું, ’રસિકને ક્યારેય પોતાની બીમારી અંગે વાત કરવી પસંદ નહોતી અને તેથી જ અમે ક્યારેય કોઈને તેમની ખરાબ તબિયત અંગે જાણ કરી નહોતી. તે ઘણાં જ પ્રાઇવેટ પર્સન છે અને તે હંમેશાં બધું સારું થશે તેમ માનતા હતા. જોકે, અમને ઊંડે ઊંડે ખ્યાલ હતો કે તે ઠીક નથી. છેલ્લાં કેટલાંક દિવસથી તે મને કહેતા કે મારે મારું કામ ચાલુ રાખવું જોઈએ.

હું નાટકમાં કામ કરતી હતી અને મેં તેમને કહ્યું હતું કે મારું મન હાલમાં કામ કરવાની સ્થિતિમાં નથી. તો તે હંમેશાં કહેતા કે શો મસ્ટ ગો ઓન અને મારે મારું કામ ક્યારેય બંધ કરવું નહીં. તેમની તબિયત સારી નહોતી ત્યારે પણ તે એમ જ કહેતા કે તે ઠીક છે અને આશા ગુમાવવી જોઈએ નહીં.’ રસિક દવેએ 1982માં ગુજરાતી ફિલ્મ ’પુત્રવધૂ’થી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ’મહાભારત’, ’એક મહલ હો સપનો કા’, ’સંસ્કાર: ધરોહર અપનો કી’ જેવા હિંદી શોમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે ’મહાભારત’માં તેમણે નંદની ભૂમિકા ભજવી હતી. 2006માં ડાન્સ રિયાલિટી શો ’નચ બલિયે’માં પત્ની કેતકી સાથે જોવા મળ્યા હતા. કેતકી દવે ’ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં દક્ષાનો રોલ પ્લે કરીને ઘેર-ઘેર લોકપ્રિય થયાં હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement