નવીદિલ્હી, તા.4 : દક્ષિણ આફ્રિકા-આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બે મેચની ટી-20 શ્રેણીનો પ્રથમ મુકાબલો બ્રિસ્ટલમાં રમાયો હતો. આ મુકાબલામાં આફ્રિકી ટીમને 21 રને જીત મળી છે. પહેલાં બેટિંગ કરતાં આયર્લેન્ડ સામે આફ્રિકાએ નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટે 212 રન બનાવ્યા હતા. જો કે આયર્લેન્ડે લક્ષ્યાંકનો અદ્ભુત પીછો કરતાં 20 ઓવરમાં નવ વિકેટે 190 રન જ બનાવતાં તેનો 21 રને પરાજય થયો હતો.
મેચ દરમિયાન આયરિશ વિકેટકિપર-બેટર લોર્કન ટકરે પોતાની ટીમને જીત અપાવવાની દરેક કોશિશ કરી હતી પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો. ટકરે પોતાની ટીમે ત્રીજા ક્રમે બેટિંગ કરતાં 38 બોલમાં 78 રન ઝૂડ્યા હતા જેમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. આફ્રિકી ટીમ વતી મુકાબલામાં કેશવ મહારાજ, વેન પાર્નેલ અને તબરેઝ શમ્સીએ ક્રમશ: બે-બે વિકેટ મેળવી હતી.
આ પહેલાં આફ્રિકી ટીમને એક મોટા લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં ઓપનિંગ બેટર રિઝા હેન્ડ્રીક્સનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેણે 53 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. હેન્ડ્રીક્સ ઉપરાંત આફ્રિકા વતી માર્કરમે 27 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું હતું. આયરીશ ટીમ માટે આ મુકાબલામાં સફળ બોલર ગેરેથ ડેલાની રહ્યો. તેણે ટીમ માટે ત્રણ ઓવરની બોલિંગ કરતાં 31 રન ખર્ચ કર્યા અને બે વિકેટ મેળવી હતી. ડેલાની ઉપરાંત ટીમ માટે એન્ડી મેકબ્રાઈન અને જોશ લિટિલે એક-એક વિકેટ મેળવી હતી.