રાજ્યના ચાર જિલ્લા કેડરના ન્યાયાધીશોને તત્કાલ નિવૃત્તિ આપી દેવાઈ

05 August 2022 11:20 AM
Ahmedabad Gujarat Top News
  • રાજ્યના ચાર જિલ્લા કેડરના ન્યાયાધીશોને તત્કાલ નિવૃત્તિ આપી દેવાઈ

ભાવનગરના 4થા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રી રાજેશકુમાર મોદી, ભુજ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રી અવિનાશ ગુપ્તા, મોરબીના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રીમતી સંગીતાબેન જોશી અને આણંદના છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રી અમૃતલાલ ધામાણીને તાત્કાલિક અસરથી પ્રીમેચ્યોર નિવૃત્તિનો પરિપત્ર રાજ્ય સરકારના લીગલ વિભાગ દ્વારા જાહેર કરાયો

ગુજરાત હાઈકોર્ટે ન્યાયિક સેવામાંથી દૂર કરવાની ભલામણ કર્યા બાદ રાજ્ય સરકારે આદેશ કર્યો, કેસના નિકાલના ઓછા ગુણોત્તરને જોતા પગલાં લેવાયા હોવાનો સુત્રોનો નિર્દેશ

અમદાવાદ, તા.5 : ગુજરાત હાઈકોર્ટે ન્યાયિક સેવામાંથી દૂર કરવાની ભલામણ કર્યા બાદ રાજ્ય સરકારે ગુરુવારે ચાર જિલ્લા કેડર ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર નિવૃત્તિ આપતો ઓર્ડર કર્યો છે. રાજ્યના કાયદાકીય વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં, ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમો, 2005ના નિયમ-21ને ટાંકી આ ઓર્ડર કરાયો છે.

ઓર્ડરમાં કહેવાયું છે કે, "જાહેર હિતમાં તાત્કાલિક અસરથી” તેમને પ્રિમેચ્યોર નિવૃત્ત કરવાનો આદેશ પસાર કરવા માટે હાઈકોર્ટની ભલામણો સ્વીકારવામાં આવી છે. ચાર જિલ્લા કેડરના ન્યાયાધીશો શ્રી રાજેશકુમાર ચુનીલાલ મોદી (4થા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, ભાવનગર) શ્રી અવિનાશ કૈલાશ ચંદ ગુપ્તા ( કચ્છ-ભુજ ફેમિલી કોર્ટ પ્રિન્સીપાલ જજ) શ્રીમતિ સંગીતાબેન પીનાકીન જોષી( એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, મોરબી) અને શ્રી અમૃતલાલ હોલારામ ધામણી (6ઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, આણંદ)ને તત્કાલ અસરથી નિવૃત્તિ અપાઈ છે.

નિવૃત્તિ તાત્કાલિક અસરથી હોવાથી, કાનૂની વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ ન્યાયિક અધિકારીઓને "નોટિસ અવધિના બદલે ત્રણ મહિનાથી ઓછા પગાર અને ભથ્થાં” આપવામાં આવશે. જો કે, ન્યાયતંત્રના સૂત્રોના હવાલાથી માધ્યમોમાં અહેવાલો આવ્યા છે કે, હાઈકોર્ટે ગયા મહિને આ ન્યાયિક અધિકારીઓ સામે કાર્યવાહીની સમીક્ષા કર્યા પછી તેમના દ્વારા કેસના નિકાલના ઓછા ગુણોત્તરને જોતા પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો.

2009માં 17 જજને આ રીતે નિવૃત્ત કરાયા હતા
ચાર વરિષ્ઠ ન્યાયાધીશો માટે ફરજિયાત નિવૃત્તિના આદેશને પગલે, કાયદાકીય વર્તુળોમાં અફવાઓ ફેલાઈ રહી હતી કે ગૌણ ન્યાયતંત્રના 90 ન્યાયાધીશોને હાઈકોર્ટ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, મે 2009માં, હાઈકોર્ટે નીચલા ન્યાયતંત્રના 17 વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ સામે પગલાં લીધા હતા અને તેમને નિવૃત્તિ લેવા કહ્યું હતું. કથિત અનિયમિતતાઓ માટે કેટલાક ન્યાયાધીશો સામે તપાસ હાથ ધર્યા પછી તેમની કામગીરીની સમીક્ષા તેમજ તકેદારી વિભાગની ભલામણોના આધારે તેમને જવા માટે કહેવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement