અમદાવાદ,તા. 5
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે અને તેને પગલે જળાશયોમાં પાણીની નવી આવક થવાનો આશાવાદ છે જ્યારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ કુલ ક્ષમતાના 80 ટકા ભરાઈ ગયો છે. ગત વર્ષની સરખામણીએ 70 ટકા વધુ જળજથ્થો છે.
નર્મદા ડેમમાં હાલ 7532.90 મીલીયન ક્યુબીક મીટર પાણી છે જે કુલ સંગ્રહક્ષમતાના 79.63 ટકા થવા જાય છે. ડેમમાં દૈનિક 69607 ક્યુસેકની આવક વચ્ચે સપાટી 132.49 મીટર પર પહોંચી છે અને છલકાવવા આડે માત્ર 6.4 મીટરનું છેટુ છે.
સતાવાર રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 28મી જુલાઈએ નર્મદા ડેમની સપાટી 130.86 મીટર હતી અને જળસંગ્રહ 7119.56 મીલીયન ક્યુબીક મીટર હતો. એક સપ્તાહમાં જળસંગ્રહમાં 400 મીલીયન ક્યુબીક મીટરનો વધારો થયો છે.
સરદાર સરોવર ડેમમાં ગત વર્ષની 4થી ઓગસ્ટે 4416.65 મીલીયન ક્યુબીક મીટર પાણી હતી તેની સરખામણીએ આ વખતે 3116.23 એમસીએમ પાણી વધુ છે. ગત વર્ષ કરતા 70.5 ટકા વધુ જળજથ્થો છે.
રાજ્યના પાણી પુરવઠા વિભાગના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના તમામ 207 જળાશયોમાં કુલ સંગ્રહક્ષમતાનું 68.03 ટકા પાણી છે. 33 જળાશયો સંપૂર્ણ છલકાયેલા છે. નર્મદા સહિત 48 ડેમોમાં 70 ટકાથી વધુ પાણી છે.
નર્મદા સિવાયનાં અન્ય 206 જળાશયોમાં 17187.66 મીલીયન ક્યુબીક મીટર પાણી છે. ગત વર્ષે માત્ર 11999.52 મીલીયન ક્યુબીક મીટર પાણી હતું. રાજ્યનાં 38 જળાશયોમાં હજુ 25 થી 50 ટકા તથા 52 ડેમોમાં 25 ટકાથી ઓછુ પાણી છે.
સૌરાષ્ટ્રના 141 ડેમોમાં સરેરાશ 55.54 ટકા પાણી છે. કચ્છના 20 જળાશયોમાં 70.17 ટકા તથા દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 74.53 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના ડેમોમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે 37.04 ટકા વધુ પાણી છે.