નવીદિલ્હી, તા.5 : અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. હવે મિનેસોટાના બ્લુમિંગટનમાં આવેલા મૉલ ઑફ અમેરિકામાં ગોળીબાર થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મૉલમાં ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયો હતો.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આરોપીને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મોલમાં રહેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થયાના અહેવાલો નથી. અમેરિકાના વોશિંગ્ટનમાં લાફાયેટ પાર્ક પાસે વીજળી પડવાથી ચાર લોકો ઘાયલ થઈ જતાં ગંભીર હાલતમાં ચારેયને હોસ્પિટલે ખસેડાયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ થયેલાઓમાં બે પુરુષ અને બે મહિલાઓ સામેલ છે. ચારેય પીડિતો સાંજે સાત વાગ્યે પાર્કમાં એક વૃક્ષ નીચે ઉભા હતા એ દરમિયાન વીજળી પડવાથી ઘાયલ થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ અધિકારીઓ દોડી ગયા હતા અને તમામને હોસ્પિટલે લઈ જવાયા હતા. આકાશી વીજળીથી બચવા માટે વૃક્ષ બિલકુલ સુરક્ષિત નથી એટલા માટે આ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.