જસદણના ચકચારી લેન્ડ-ગ્રેબિંગ કેસમાં ચાવડા બંધુઓના રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા જામીન મંજુર

05 August 2022 11:45 AM
Jasdan
  • જસદણના ચકચારી લેન્ડ-ગ્રેબિંગ કેસમાં ચાવડા બંધુઓના રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા જામીન મંજુર

રાજકોટ, તા.5
જસદણ તાલુકાના ગઢડીયા (જસ) ગામના સર્વે નં.-10/1 પૈકીની જમીન બાબતે થયેલ લેન્ડ-ગ્રેબિંગની ફરિયાદમાં આરોપી રમેશભાઈ બચુભાઈ ચાવડા, દિનેશભાઈ બચુભાઈ ચાવડા તથા અરવિંદભાઈ ઉર્ફે ભઈલુ બચુભાઈ ચાવડાને રૂ.15,000/- ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ રાજકોટ એડી. સેશન્સ જજ અને સ્પેશ્યલ જજ દ્વારા તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.

આ બનાવની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી મયંકભાઈ વિજયભાઈ પોપટ તથા અન્ય સાહેદો દ્વારા જસદણ તાલુકાના ગઢડીયા (જસ) ગામના સર્વે નં - 10/1 પૈકીની જમીન આ કામના આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગેની ફરિયાદ રાજકોટ કલેકટર કચેરીમાં દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ રાજકોટ કલેકટરશ્રી દ્વારા આ કામના આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ.

ત્યારબાદ જસદણ પોલીસ સ્ટેશન દ્વારા ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુધ્ધ ધી ગુજરાત લેન્ડ - ગ્રેબિંગ પ્રોહીબીશન એકટ, 2020ની કલમ 4 અને 5 તથા આઈ.પી.સી. ની કલમ 447, 506 (2), 114 મુજબના ગુના સબબ એફ.આઈ.આર. નોંધવામાં આવેલ અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ આરોપીઓને નામદાર સ્પે. કોર્ટમાં રજુ કરતા, કોર્ટ દ્વારા તેઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ. ત્યારબાદ ઉપરોકત તમામ આરોપીઓ દ્વારા જામીન ઉપર મુક્ત થવા માટે પોતાના વકીલ અપૂર્વ એન. મહેતા મારફત જામીન અરજી રાજકોટ સેસન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ.

ઉપરોક્ત જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, ફરિયાદી દ્વારા સિવિલ પ્રકારની તકરારને ક્રિમીનલ કલર આપવામાં આવેલ છે, તેમજ માત્ર લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં આવતા ફરીયાદીએ ખોટી ફરિયાદ કરેલ છે અને સદર કાયદો અમલમાં આવ્યો ત્યારથી તેની અમલવારી થઇ શકે પરંતુ આ ખાસ કાયદામાં પશ્ચાદ અસરથી અમલવારી અંગે કોઈ જોગવાઈ ન હોવા

છતાં ફરીયાદી અને સાહેદોએ પોલીસ સાથે મીલાપીપણું કરી ખોટી રીતે દબાણ લાવવા ખોટી ફરિયાદ ઉભી કરેલ છે. વધુમાં રજૂઆત કરેલ કે લેન્ડ - ગ્રેબર તથા લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યા ધ્યાને લેતા આરોપીઓ વિરુધ્ધ આક્ષેપિત ગુનાના કોઈ આવશ્યક તત્વો આકર્ષિત થતા નથી. ઉપરોક્ત જામીન અરજીનો પોલીસપક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવેલ તથા તેવી રજુઆતો કરવામાં આવેલ કે આ કામના આરોપીઓ દ્વારા ફરિયાદીની જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો કરી ફરિયાદી તથા સાહેદોને તેઓની માલિકીની જમીનમાં બાંધકામ કરતા અટકાવી, ધમકી આપી ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે.

ઉપરોક્ત બન્ને પક્ષોની દલીલોના અંતે આરોપી પક્ષની દલીલોને માન્ય રાખી તેમજ રજુ રખાયેલા વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને રાજકોટના મહે. એડીશનલ સેસન્સ અને સ્પે. જજ શ્રી જે.ડી. સુથાર સાહેબ દ્વારા ઉપરોક્ત તમામ આરોપીઓને રૂ .15,000/- ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત કેસમાં તમામ આરોપીઓ વતી ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડિયા રોકાયેલા હતા.


Loading...
Advertisement
Advertisement