વેરાવળ,તા.5 : સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમ અન્વયે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે તા. 13 થી 15 ઓગષ્ટ દરમિયાન આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના શીર્ષ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજાઈ હતી. પ્રભારી મંત્રી એ સરકારના વિવિધ વિભાગમાંથી ઉપસ્થિત તમામને માર્ગદર્શિત કરી અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવા સૂચન કર્યુ હતું. આ બેઠકમાં પ્રભારી મંત્રી એ જણાવ્યું હતું કે,
સમગ્ર ગીર સોમનાથ વાસીઓ આ ઉજવણી માટે દેશના જાગૃત નાગરિક તરીકે દેશપ્રેમ વ્યક્ત કરી સક્રિય રીતે ભાગ લે આજનું બાળક દેશનું ભવિષ્ય છે. જેનામાં પહેલાથી જ દેશભાવનાનો સંચાર થાય અને લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બને તે માટેનો આ કાર્યક્રમ છે. આ ઉપરાંત 1947 પૂર્વે અને પછીની ઘટનાઓ વિશે લોકો માહિતગાર થાય તેમજ દેશના વીર સપૂતો જેમણે દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યું છે તેવા શહીદો વિશે જાણકારી ધરાવે તેમ કાર્યક્રમ યોજવા તેમજ મશાલ રેલી અને સીનિયર સીટિઝન માટેના કાર્યક્રમો યોજવાનું સૂચન કર્યુ હતું.