(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5
મોરબીના સામાકાંઠે ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘુંટુ ગામના યુવાનનું મોતનું નીપજ્યું હતું. જેથી મૃતક યુવાનના પિતા દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરેલ છે. મોરબીના ઘુંટુ ગામે રહેતો પાર્થ ગોવિંદભાઈ પરેચા (20) નામનો યુવાન ગઈ તા.31-7 ના સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ટીફીન આપવા માટે મોરબી તરફ આવતો હતો ત્યારે ઘુંટુ રોડ ઉપરથી તે જયારે પસાર થઈ રહ્યો હતો
ત્યારે એકોર્ડ સીરામીકના ગેઇટની સામે તેના બાઈકને પાણી ભરેલા ટેન્કર નં. જીજે 12 વાય 8080 ના ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં ગંભીરપણે ઇજાઓ થવાથી પાર્થ પરેચાનું મોત નિપજયુ હતું.જેથી બી ડિવિઝન પોલીસ મથકે મૃતકના પિતા ગોવિંદભાઈ ગાંડુભાઇ પરેચાએ ટેન્કર નંબર જીજે 12 વાય 8080 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આ બનાવમાં પીએસઆઈ એલ.એન.વાઢિયા દ્વારા ટેન્કરના ચાલક જયંતિભાઇ નારણભાઇ સુમડ જાતે રાજગોર બ્રહ્મણ (71) રહે.રામકૃષ્ણ સોસાયટી મોરબી-2 મૂળ રહે.મનહરપરા ફાયર બ્રીગેડ પાસે ભાવનગર રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.
20 રૂપિયા આપવાની ના પાડતા માર માર્યો
મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બાલાભાઈ નામનો 30 વર્ષનો યુવાન મોરબીના ગાંધીચોક વિસ્તારમાં ગયો હતો અને ત્યાં તેની પાસે અજાણા ઇસમે ચા પાણી માટે રૂપિયા 20 માગ્યા હતા જેની દિલીપભાઈએ ના પાડતા સામેવાળાએ તેમને ઠીકાપાટુનો માર માર્યો હતો.બનાવને પગલે એ ડિવિઝનના એચ.એમ.ચાવડા અને સંજયભાઈ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
ઝેરી દવા પી જતા સગીરા સારવારમાં
હળવદ તાલુકાના સુસવાવ ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની રણજીતાબેન બીનિયાભાઈ આદિવાસી નામની 14 વર્ષીય સગીરા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.