સુધીરે ગોલ્ડ-શ્રીશંકરે સિલ્વર જીતી રચ્યો ઈતિહાસ: કૉમનવેલ્થમાં ભારતના ‘વીરો’નું દમદાર પ્રદર્શન યથાવત

05 August 2022 01:05 PM
Sports
  • સુધીરે ગોલ્ડ-શ્રીશંકરે સિલ્વર જીતી રચ્યો ઈતિહાસ: કૉમનવેલ્થમાં ભારતના ‘વીરો’નું દમદાર પ્રદર્શન યથાવત

► પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારો સુધીર પ્રથમ ભારતીય ખેલાડી: 212 કિલો વજન ઉઠાવીને રેકોર્ડબ્રેક 134.5 પોઈન્ટ મેળવ્યા

નવીદિલ્હી, તા.5 : બર્મિંઘમમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું છે. ગેમ્સના સાતમા દિવસે ભારતે બે મેડલ પોતાના નામે કર્યા છે જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સામેલ હતા. આ બે મેડલ્સ જીત્યા બાદ હવે ભારતના મેડલોની સંખ્યા 20એ પહોંચી ગઈ છે.મોડીરાત્રે પેરા પાવરલિફ્ટિંગની રમતમાં સુધીરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સુધીરે પોતાના બીજા અટેમ્પમાં 212 કિલો વજન ઉઠાવીને 134.5 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુધીર કૉમનવેલ્થ ગેમ્સની પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી છે.

► એથ્લેટિક્સમાં શ્રીશંકરે અપાવ્યો બીજો મેડલ: ફાઈનલમાં તેણે 8.08 મીટરની શ્રેષ્ઠ છલાંક લગાવીને સિલ્વર જીત્યો: શ્રીશંકર હરિફ ખેલાડી સામે માત્ર 0.14 મીટરના અંતરથી ગોલ્ડ ચૂક્યો: આ પહેલાં તેજસ્વિન શંકરે જીત્યો’તો બ્રોન્ઝ

નાઈઝીરીયાના ઈકેચુકવું ક્રિસ્ટિયન ઉબિચૂકવુંએ સિલ્વર અને સ્કોટલેન્ડના મિકી યૂલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે એથ્લેટિક્સમાં ભારતના શ્રીશંકરે લોંગ જમ્પમાં 8.08 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. શ્રીશંકર આ રમતમાં સિલ્વર જીતનારો પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે. તેના પહેલાં સુરેશ બાબૂએ 1978ની કૉમનવેલ્થ ગેમ્સની લોંગ જમ્પ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષ-મહિલા મળીને આ રમતમાં ભારતનું અત્યાર સુધીનું ચોથું મેડલ છે. બહામાસના નારિન લકુઆને પણ શ્રીશંકર જેટલી (8.08) છલાંગ લગાવી હતી પરંતુ તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આવું એટલા માટે બન્યું કેમ કે લકુઆનની બીજી શ્રેષ્ઠ છલાંગ શ્રીશંકરની બીજી શ્રેષ્ઠ છલાંગ કરતાં સારી રહી હતી. લકુઆનની બીજી છલાંગ 7.98 મીટરની હતી જ્યારે શ્રીશંકરની 7.84 મીટર હતી.

એથ્લેટિક્સમાં હિમા દાસ-મંજૂ બાલા ચમક્યાં
ભારતની સ્ટાર દોડવીર હિમા દાસ 200 મીટર સ્પર્ધામાં પોતાની હિટમાં 23.42 સેક્ધડનો સમય કાઢીને પહેલાં સ્થાને રહી જેના કારણે તે સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જ્યારે મહિલાઓની હૈમર-થ્રો સ્પર્ધામાં ભારતની મંજૂ બાલાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો તો તેની સાથી ખેલાડી સરિતા સિંહ આવું કરવામાં નિષ્ફળ રહી હતી.

પેરા ટેબલ ટેનિસમાં ગુજ્જુ ખેલાડી ભાવિના પટેલ-સોનલ પટેલની આગેકૂચ
ટોક્યો પેરાલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા એવા ગુજરાતી ખેલાડી ભાવિનાબેન પટેલ સહિત ભારતના ત્રણ પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓએ પોતપોતાના મુકાબલા જીતી લીધા હતા. ભાવિના પટેલે મહિલા સિંગલ્સમાં ફીઝી, સોનલબેન પટેલે નાઈઝીરીયા તો બેબી શાહના રવિએ ઑસ્ટ્રેલિયાની ખેલાડીને પરાજય આપ્યો હતો.

ટેબલ ટેનિસમાં દિગ્ગજોની જીતનો સિલસિલો જારી
ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી સાથિયાન જ્ઞાનશેખરન અને મનિકા બત્રા તેમજ અનુભવી અચંતા શરત કમલ તેમજ શ્રીજા અકુલાની જોડીએ મીક્સ ડબલ્સ ટેનિસ સ્પર્ધામાં પોતાના મુકાબલા જીતીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સાથિયાન-મનિકાએ રાઉન્ડ-32માં સેશેલ્સની ક્રેયા મિક અને સિનોન લોરાની જોડીને હરાવી હતી. જ્યારે શરત કમલ-શ્રીજા અકુલાની જાષડીએ આયર્લેન્ડની જોડીને પરાજિત કરી હતી.

હરમનપ્રીતની હેટ્રિક: વેલ્સને 4-1થી કચડી પુરુષ હૉકી ટીમ સેમિફાઈનલમાં
હરમનપ્રીત સિંહની હેટ્રિકના દમ પર પુલ ‘બી’ના અંતિમ લીગ મેચમાં વેલ્સને 4-1થી હરાવીને ભારતીય ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જ્યાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. ભારતીય ટીમ પુલ ‘બી’માં ત્રણ જીત અને એક ડ્રો બાદ 10 પોઈન્ટ લઈને ટોચ પર રહી જ્યારે ઈંગ્લેન્ડ પણ સમાન અંક મેળવી ચૂકી છે પરંતુ ભારતે ગોલ સરેરાશમાં બાજી મારી લીધી છે. હવે કાલે સેમિફાઈનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે તો ઈંગ્લેન્ડનો સામનો ઑસ્ટ્રેલિયા સામે થશે.

પાવરલિફ્ટિંગમાં મળી નિરાશા
ભારતની મનપ્રીત કૌર અને સકીના ખાતૂન પાવરલિફ્ટિંગ સ્પર્ધાની મહિલા લાઈટવેટ ફાઈનલમાં ચોથા અને પાંચમા સ્થાને રહેતાં મેડલ ચૂકી ગઈ છે જ્યારે પુરુષ લાઈટવેટ ફાઈનલમાં પરમજીત કુમાર ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા બાદ અંતિમ ક્રમે રહ્યો હતો.

ભારતીય બૉક્સરોની ધૂમ: વધુ સાત મેડલ થયા પાક્કા: પંઘાલ-સાગર-જેસમીન-રોહિતનોદબદબો
ભારતીય બૉક્સરોએ કૉમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખતાં સાત મેડલ પાક્કા કરી લીધા છે. સાતમા દિવસે ભારત વતી સાગર અહલાવત, અમિત પંઘાલ, જેસમીન અને રોહિત ટોકસે પોતાના વર્ગની સ્પર્ધાના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હરિયાણાના 22 વર્ષીય સાગરે પુરુષોના સુપર હેવીવેટ (+91 કિ.ગ્રા) વર્ગના ક્વાર્ટર ફાઈનલમાં સેશેલ્સના કેડી ઈવાન્સ એગ્નેસને 5-0થી હરાવ્યો હતો.

જૈસમીને ક્વાર્ટર ફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટ્રાય ગાર્ટન, રોહિત ટોકસે નીયુના જેવિયર માતાકાને અને અમિત પંઘાલે પ્રથમ બે રાઉન્ડમાં ગાર્ડ ડાઉન (હાથ નીચે રાખીને રમતા) હરિફ ખેલાડી મુલીગનને આક્રમક થવા માટે ઉશ્કેર્યો પરંતુ સ્ફૂર્તી સાથે તેની પહોંચથી બહાર નીકળી ગયો હતો. વચ્ચે વચ્ચે તેણે ડાબા હાથથી મુક્કા લગાવીને 20 વર્ષના હરિફ ખેલાડીને હરાવ્યો હતો. આ પહેલાં ભારતીય ખેલાડી નિખત ઝરીન, નીતૂ ગંઘાસ અને મોહમ્મદ હુસામુદ્દીને પોતપોતાના મેડલ પાક્કા કરી લીધા હોવાથી બૉક્સિગંમાં હવે ભારતના સાત મેડલ નિશ્ચીત બની ગયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement