નવીદિલ્હી, તા.5
મોહમ્મદ શમી હવે ભારત માટે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બોલિંગ કરતાં જોવા મળશે નહીં કેમ કે તેની પસંદગી જ કરવામાં નહીં આવે ! ટી-20 વિશ્વકપ-2021 મોહમ્મદ શમી માટે અંતિમ ટી-20 ટૂર્નામેન્ટ હતી અને ત્યારપછી તે ટીમનો હિસ્સો નથી કેમ કે ટીમ ઈન્ડિયા હવે દીપક ચાહર અને હર્ષલ પટેલની પસંદ સાથે આગળ વધી છે.
જ્યારે જસપ્રીત બુમરાહ-ભુવનેશ્વર કુમાર ટી-20માં ફાસ્ટ બોલિંગ એટેકની જવાબદારી સંભાળશે અને ત્રીજા સીમરની ભૂમિકા દીપક ચાહર, હર્ષલ પટેલ અથવા અર્શદીપ સિંહમાંથી કોઈ એક બોલર કરશે. પસંદગી સમિતિના એક સભ્યએ જણાવ્યું કે શમીને હવે ટેસ્ટ માટે નવેસરથી તૈયાર કરવાની જરૂર છે એટલા માટે તેના નામ ઉપર ટી-20 માટે વિચાર કરવામાં આવી રહ્યો નથી. અમે તેના વર્કલોડ મેનેજમેન્ટ ઉપર ટી-20 વર્લ્ડકપ બાદ તેની સાથે વાત કરી હતી. અત્યારે તેની ટી-20ની યોજના નથી એટલા માટે અમારું ધ્યાન યુવા બોલરો ઉપર રહેશે. શમીએ અત્યાર સુધી 17 જ ટી-20 મેચ રમી છે
જેમાં 18 વિકેટ મેળવી છે અને તેની ઈકોનોમી 9.55ની છે. મોહમ્મદ શમી ઘણા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો હિસ્સો રહ્યો છે પરંતુ ટી-20 વર્લ્ડકપ બાદથી તે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો નથી. ભવિષ્યમાં પણ તેની પસંદગી થશે તેની કોઈ ગેરંટી નથી. અત્યારે એશિયાકપ બાદ ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે અને આ ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવશે નહીં.