CWG : સેમિફાઈનલમાં કાલે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે, ઑસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ સામે ટકરાશે

05 August 2022 01:11 PM
Sports
  • CWG : સેમિફાઈનલમાં કાલે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે, ઑસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ સામે ટકરાશે

ભારત કરતાં ઈંગ્લેન્ડનું પલડું ભારે, જો કે ચમત્કારિક પ્રદર્શન કરવા ખેલાડીઓ આતુર: જો ભારત કાલની મેચ જીતી જાય તો ક્રિકેટમાં મેડલ પાક્કો

નવીદિલ્હી, તા.5 : હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય મહિલા ટીમ કૉમનવેલ્થ ગેમ્સના સેમિફાઈનલમાં કઈ ટીમ સામે ટકરાશે તેનો નિર્ણય થઈ ચૂક્યો છે. ગ્રુપ ‘બી’ના અંતિમ મુકાબલામાં મેજબાન ઈંગ્લેન્ડની મહિલા ટીમે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવી હતી. ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી અપરાજિત રહી છે. જ્યારે ગ્રુપ ‘એ’માં ઑસ્ટ્રેલિયાની ટીમે ત્રણેય મુકાબલા જીત્યા હતા. ભારતીય ટીમ બે જીત સાથે બીજા સ્થાને રહી હતી. સેમિફાઈનલ મુકાબલા કાલે રમાવાના છે જેમાં ઑસ્ટ્રેલિયાની ટક્કર ન્યુઝીલેન્ડ સામે તો ઈંગ્લેન્ડનો મુકાબલો ભારત સામે થશે.

ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 71 રન બનાવ્યા હતા. તેના 9 ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. મેડી ગ્રીને સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વતી કેથરીન બ્રન્ટ, ઈસી વૉન્ગ અને સારાહ ગ્લેને 2-2 વિકેટ ખેડવી હતી. જવાબમાં ઈંગ્લેન્ડને લક્ષ્યાંકને 11.4 ઓવરમાં ત્રણ વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. ઈંગ્લેન્ડ વતી એલિસ કૈપ્સીએ સૌથી વધુ 23 રન બનાવ્યા હતા જ્યારે એમી જોન્સ 18 રન બનાવીને અણનમ રહી હતી.ભારતીય મહિલા ટીમ કૉમનવેલ્થ ગેમ્સમાં સારી શરૂઆત કરી શકી નહોતી. પહેલી મેચમાં તેનો ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટે પરાજય થયો હતો.

આ પછી ભારતીય ટીમે પાકિસ્તાન અને બાર્બાડોઝને હરાવીને શાનદાર વાપસી કરી હતી. ફાસ્ટ બોલર રેણુકા સિંહે અત્યાર સુધી કમાલનું પ્રદર્શન કર્યું છે. તે અત્યાર સુધીની ત્રણ મેચમાં 9 વિકેટ મેળવી ચૂકી છે. બીજી બાજુ બેટિંગમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રીગ્સ અને હરમનપ્રીત શાનદાર ફોર્મમાં છે. ભારતીય મહિલા ટીમે સેમિફાઈનલમાં જીત મેળવવા માટે ચમત્કારીક પ્રદર્શન કરવું પડશે. મેજબાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. બન્ને વચ્ચે અત્યાર સુધી 22 ટી-20 મુકાબલા રમાયા છે જેમાં ટીમ ઈન્ડિયા માત્ર પાંચ મેચમાં જ જીત મેળવી શકી છે. બીજી બાજુ ઈંગ્લેન્ડને 17 મેચમાં જીત મળી છે.


Related News

Loading...
Advertisement
Advertisement