ઔદ્યોગિક એકમોના પાપે ગુજરાતમાં સાબરમતી, તાપી, નર્મદા સહિત 20 નદીઓ મેલી થઇ ગઇ

05 August 2022 01:14 PM
Ahmedabad Gujarat
  • ઔદ્યોગિક એકમોના પાપે ગુજરાતમાં સાબરમતી, તાપી, નર્મદા સહિત 20 નદીઓ મેલી થઇ ગઇ

દેશભરમાં કુલ 351 જેટલી નદીઓ પ્રદુષિત : કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ડેટામાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ,તા. 5
ગુજરાતમાં સાબરમતી, તાપી, નર્મદા સહિત 20 જેટલી નદીઓ અત્યંત પ્રદુષિત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નદીઓના શુધ્ધિકરણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે, બીજી તરફ ગુજરાતમાં સાબરમતી, વિશ્વામિત્રી, તાપી, નર્મદા સહિતની 20 નદીઓ પ્રદુષિત છે. ઔદ્યોગિક એકમોના ગંદા પાણીએ નદીઓની હાલત બગાડી નાખી છે. દેશભરમાં આવી કુલ 351 નદીઓ પ્રદુષિત છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ સંદર્ભનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. પાણીની ગુણવત્તાના પરિણામના આધારે સમયાંતરે નદીઓના પ્રદુષણ અંગે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયે આ માહિતી પૂરી પાડી છે. રિપોર્ટમાં નદીના પટની બાબત સામે આવી છે, જે પ્રમાણે સાબરમતી નદીમાં ખિરોજથી વૌઠા, અમલખાડી નદીમાં પુંગમથી ભરુચ સુધીનો પટ્ટો પ્રદુષિત છે.

એ જ રીતે ભાદરમાં જેતપુરથી સારણ ગામ, ભોગાવો નદીમાં સુરેન્દ્રનગરથી નાના કેરલ, ખારી નદીમાં લાલી ગામથી કાશીપુરાનો પટ્ટો વધારે પ્રદુષિત હોવાનું સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં વડોદરાથી અસોદ, ભાદર નદીમાંથી ખોતડાથી ચાંદપુરા, ત્રિવેણી નદીમાં ત્રિવેણી સંગમથી બાદલપરાનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદુષિત છે. દમણ ગંગામાં કાચી ગામથી વાપી, કોલાકમાં કિકરલાથી સાલ્વાવ, માહી નદીમાં સેવાલિયાથી બહાદુરપુર, તાપી નદીમાં ખડોદ-બારડોલીથી સુરત, અનાસમાં દાહોદથી ફતેહપુરા, કિમમાં સાહોલબ્રીજ, મિંઢોળામાં સચિનનો પટ્ટો અને નર્મદામાં ગરુડેશ્વરથી ભરુચ સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદુષિત હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement