નવીદિલ્હી, તા.5
મુંબઈના પાત્રા ચૉલ કૌભાંડમાં 31 જૂલાઈએ પકડાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની કસ્ટડી 8 ઑગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. હવે તેમનાં પત્ની વર્ષા રાઉતને પણ નોટિસ મોકલવામાં આવી છે. ઈડીએ કહ્યું કે વર્ષાના બેન્ક એકાઉન્ટમાં કરાયેલી લેવડ-દેવડ સામે આવ્યા બાદ સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યું છે.
ઈડીએ એપ્રિલમાં વર્ષા અને સંજય રાઉતના બે સહયોગીઓની 11.15 કરોડથી વધુની સંપત્તિ અસ્થાયી રીતે જપ્ત કરી હતી. ઈડીએ કહ્યું કે એપ્રિલમાં જમીન કૌભાંડના સિલસિલામાં સંજય રાઉતની સંપત્તિને જપ્ત કરાઈ હતી. ઈડીએ સંજય રાઉતના સહયોગી પ્રવીણ રાઉતની 9 કરોડ રૂપિયાની સંપત્તિ અને સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતની બે કરોડ રૂપિયાની અન્ય સંપત્તિ પણ જપ્ત કરી હતી. આ મામલે પ્રવીણની ધરપકડ પણ કરવામાં આવી છે. અલીબાગમાં તેની પાસે આઠ પ્લોટ છે અને વર્ષા રાઉતના નામથી રજિસ્ટર થયેલો એક ફ્લેટ છે જેને સીલ કરી દેવાયું છે.
સંજય રાઉત મામલામાં ઈડીએ એ લોકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે જેમણે અલીબાગની જમીન માટે રોકડમાં ચૂકવણું કર્યું હતું. જેના ઉપર કથિત રીતે મ્હાડા પરિયોજના સાથે જોડાયેલા એક ડેવલપર પાસેથી રોકડ રકમ ચૂકવીને ખરીદવામાં આવી હતી. ઈડીએ અલીબાગ જમીન સોદા સાથે જોડાયેલા લોકોને આજે અને આવતીકાલે નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે. જો કે આરોપીઓ દ્વારા ખરીદારોને ધમકાવાય નહીં તે માટે નામ જાહેર કરાયા નથી. ઈડીએ આરોપ લગાવ્યો કે આ દસ્તાવેજો અનુસાર અલીબાગમાં સંપતિઓની ખરીદી જમીન માલિકોને રોકડ આપીને થઈ હતી.