જામનગર તા.5: જામનગર શહેરમાં કોરોના વકર્યો છે, અને વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાના પાંચ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જોકે તમામની હાલત સુધારા પર છે.
જામનગરના એક એડવોકેટ, એક ઉદ્યોગપતિ, એક વિદ્યાર્થીની, એક કોલેજીયન યુવાન, અને વેપારી સહિત 11 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. જોકે આજના તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
જામનગર શહેરમાં કોરોના નો વ્યાપ વધ્યો છે, અને દિન પ્રતિદિન કોરોના કેસમાં ઉછાળો આવતો જાય છે. ગઈકાલે એકી સાથે 19 પોઝિટિવ કેસ નોંધાયા હતા, આજે જામનગર શહેરમાં નોંધાયેલા 11 પોઝિટિવ કેસ પછી તમામ દર્દીના પરિવારજનોના સેમ્પલો એકત્ર કરાયા છે, અને તેઓને હોમ આઈસોલેસન માં રાખવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડી જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય વિષયક કામગીરી કરી રહી છે.
જામનગર શહેરમાં આજે 404 કોવિડ સેમ્પલો લેવામાં આવ્યા હતા જેની સામે ત્રણ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ 67 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે એકમાત્ર પોઝિટિવ કેસ નોંધાયો છે, અને રાહતના સમાચાર છે. ગ્રામ્ય વિસ્તારના બે દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.