લખનૌ તા.5
હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે એક મહત્વનો આદેશ પસાર કરીને જણાવ્યું છે કે, અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત નોંધાયેલ કેસમાં પીડિતને આરોપીનો દોષ સાબીત થયા બાદ જ વળતર આપવામાં આવે.
કોર્ટે જણાવ્યું હતું કે, અમે રોજ એવું ચલણ જોઈ રહ્યા છીએ કે એસસી એસટી એકટ અંતર્ગત નોંધાયેલા કેસમાં વળતર મળ્યા બાદ પીડિત આરોપી સાથે સમાધાન કરી લે છે.
ન્યાયમૂર્તિ દિનેશસિંહની સિંગલ બેન્ચે આ આદેશ ઈસરાર ઉર્ફે ઈસરાર અહમદ અને અન્ય તરફથી દાખલ અરજી પર સુનાવણી દરમિયાન પસાર કર્યો હતો. અરજદારોએ તેમની વિરુદ્ધ એસસી, એસટી એકટ અંતર્ગત રાયબરેલીની વિશેષ અદાલતે દાખલ ચાર્જશીટ અને પુરા કેસને ફગાવી દેવાની માંગ કરી હતી. અરજદારોનું કહેવું હતું કે આ મામલે તેમનું ફરિયાદી સાથે સમાધાન થઈ ગયું છે.
કોર્ટે અરજીનો સ્વીકાર કરી લીધો હતો. જો કે તેના પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ મામલે વાદીને રાજય સરકાર તરફથી વળતર તરીકે 75 હજાર રૂપિયા મળી ચૂકયા છે. એસસી, એસટી એકટમાં વળતર મળ્યા બાદ પીડીત દ્વારા આરોપીઓ સાથે સમાધાન કરવાના બનાવટો રોજ કોર્ટ સામે આવી રહ્યા છે.
અન્ય આવા કેસમાં વળતર પરત આપવાનો કોર્ટમાં આદેશ
20 જૂને હાઈકોર્ટ સામે આવા પ્રકારનો એક કેસ આવ્યો હતો. આરોપી સાજન નિષાદ અને અન્યોએ સમાધાનના આધાર પર કેસ પુરો કરવાની માંગ કરી હતી. આ મામલામાં હાઈકોર્ટ પીડિત પાસેથી વળતર પરત કરવાનો આદેશ કર્યો હતો.