હવે એક સપ્તાહ સાર્વત્રિક હળવો-ભારે વરસાદ : દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ થશે

05 August 2022 03:07 PM
Rajkot Gujarat Saurashtra
  • હવે એક સપ્તાહ સાર્વત્રિક હળવો-ભારે વરસાદ : દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ થશે

►શિયર ઝોન, ચોમાસુ ધરી અને બહોળા સરક્યુલેશનની અસરે ફરી મેઘરાજા જમાવટ કરશે

► જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની 12મી ઓગસ્ટ સુધીની આગાહી : સૌરાષ્ટ્રમાં સર્વત્ર બેથી ત્રણ ઇંચ અને અમુક ભાગોમાં છ ઇંચથી વધુ ખાબકશે

રાજકોટ,તા. 5
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી એક વખત સાર્વત્રિક હળવો-ભારે વરસાદ થશે અને અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

આજે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે ગત સપ્તાહની આગાહી મુજબ એકાદ સપ્તાહ મેઘરાજાનો વિરામ જોવા મળ્યો હતો અને આગોતરા એંધાણમાં દર્શાવ્યા મુજબ 4થી ઓગસ્ટથી ફરી મેઘરાજાની એન્ટ્રી શરુ થઇ ગઇ છે. રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાંથી 104 તાલુકામાં 10 મીમીથી વધુ નોંધાયો હતો. 4 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં 43 ટકા તથા સમગ્ર ગુજરાતમાં સરેરાશ કરતાં 27 ટકા વધુ વરસાદ પડ્યો છે.

ઝોન વાઇઝ વરસાદમાં કચ્છમાં 118 ટકા, સૌરાષ્ટ્રમાં 64 ટકા, ઉતર ગુજરાતમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 85 ટકા તથા સમગ્ર રાજ્યમાં સિઝનનો 73 ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર દેશ લેવલે અત્યાર સુધીમાં 510 મીમી વરસાદ થઇ ગયો છે જે 6 ટકા વધુ છે.

વર્તમાન હવામાન માહોલ વિશે તેમણે કહ્યું કે ચોમાસુ ધરી સક્રિય છે અને નોર્મલ કરતા દક્ષિણ બાજુ છે જે હજુ ચારથી પાંચ દિવસ દક્ષિણ બાજુ જ રહેશે. આ ઉપરાંત પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં 7મી ઓગસ્ટ આસપાસ લોપ્રેસર સર્જાવાની શક્યતા છે જ્યારે 3.1 કિલોમીટરથી 5.8 કિલોમીટરના લેવલમાં ઇસ્ટ-વેસ્ટ સિયર ઝોન મુંબઈ પટ્ટીમાં છવાશે. તે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે અને આવતા દિવસોમાં ગુજરાત સહિત પહોંચીને સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પસાર થશે. ચોમાસુ ધરી હાલ બીકાનેર, કોટા, રાયપુર, દીગા થઇને મધ્ય-પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચે છે.

એક અપરએર સાયક્લોનિક સરકયુલેશન ઝારખંડ અને તેને લાગુ તટીય બંગાળની ખાડીમાં 3.1 કિલોમીટરના લેવલે છે. બીજુ એક અપરએર સરક્યુલેશન 4.5 કિલોમીટરના લેવલે ઉત્તરીય કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તેને લાગુ બંગાળની ખાડીમાં છે જેનો વધતી ઉંચાઈએ દક્ષિણ-પશ્ર્ચિમ તરફ ઝુકાવ છે. એક અપરએર સરક્યુલેશન મધ્ય રાજસ્થાનમાં 3.1થી 7.6 કિલોમીટરના લેવલે છે.

સિયર ઝોન, ચોમાસુ ધરી તથા બહોળા સરક્યુલેશનના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની શક્યતા છે. 5 થી 12 ઓગસ્ટ સુધીની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન અલગ-અલગ દિવસે હળવો-મધ્યમ અને સિમીત વિસ્તારોમાં ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદની કુલ માત્રા 50 થી 75 મીમી રહી શકે છે. જ્યારે ક્યાંક-ક્યાંક વધુ ભારે વરસાદના વિસ્તારોમાં 150 મીમીથી પણ વધુ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની જેમ જ વ્યાપક વરસાદની શક્યતા છે.

કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી હળવો-મધ્યમ વરસાદ પડશે જ્યારે સિમીત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળામાં સરેરાશ 25 થી 50 મીમી વરસાદ થઇ શકે છે જ્યારે ભારે વરસાદના ભાગોમાં 100 મીમીથી પણ વધુ પાણી વરસી શકે છે. જો કે આવતા દિવસોમાં વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર-ગુજરાત પરથી પસાર થઇને અરબી સમુદ્રમાં જવાની હોવાથી કચ્છમાં વરસાદની માત્રામાં બદલાવ શક્ય છે.

ઉતર ગુજરાતમાં હળવો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 50થી 75 મીમી પાણી વરસી શકે છે. જો કે ભારે વરસાદવાળા સિમીત વિસ્તારોમાં 100 મીમીથી પણ વધુ વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધુ રહેશે. હળવો-મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 50 થી 100 મીમી વરસાદ શક્ય છે જ્યારે વધુ ભારે વરસાદવાળા ભાગોમાં 200 મીમી કરતાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે જ્યારે સમગ્ર રાજ્યમાં અમુક એકલદોકલ ભાગોમાં 250 મીમી કરતાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement