‘નામ’ બદલીને દીકરીઓને ફસાવતાં લોકોને છોડશું નહીં, ‘પ્રેમ’ શબ્દને બદનામ કરનારાની ખેર નથી: હર્ષ સંઘવી

05 August 2022 03:45 PM
Rajkot Government Gujarat
  • ‘નામ’ બદલીને દીકરીઓને ફસાવતાં લોકોને છોડશું નહીં, ‘પ્રેમ’ શબ્દને બદનામ કરનારાની ખેર નથી: હર્ષ સંઘવી

‘લવજેહાદ’ મામલે ગૃહ રાજ્યમંત્રી આકરાં પાણીએ: નામ બદલીને કોઈ દીકરીને ફસાવવી એ પ્રેમ નહીં સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે: વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલે હવે ગરબા પરના જીએસટીને લઈને રાજકારણ કરી રહ્યો છે

રાજકોટ, તા.5
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ‘લવજેહાદ’ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય ખુદ સરકાર પણ ચિંતીત બની ગઈ છે. દરમિયાન આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરાં શબ્દોમાં નિવેદન આપતાં કહ્યું હતું કે ‘નામ’ બદલીને દીકરીઓને ફસાવી રહેલા લોકોને છોડવામાં આવશે નહીં.

‘પ્રેમ’ શબ્દને બદનામ કરનારા લોકો સમાજના દુશ્મન જ છે એટલા માટે તેમને આકરી સજા થવી જોઈએ. ‘મુસ્તુફા’ કોઈ યુવતીને ‘મહેશ’ બનીને પ્રેમ કરે તો તે સમાજની વ્યવસ્થા બગાડવાનો હિન પ્રયાસ છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમ કરવાનો તમામને અધિકાર છે પરંતુ નામ બદલીને કોઈ દીકરીને ફસાવવામાં આવે તો તેને પ્રેમ ન જ કહી શકાય. પ્રેમ શબ્દને બદાન કરનારા તત્ત્વોને છોડવામાં નહીં આવે. જો આ અંગેની ફરિયાદ મળશે તો દોષિત સામે કડકમાં કડક પગલાં લેવાશે.

દરમિયાન હર્ષ સંઘવીએ ‘લવજેહાદ’ ઉપરાંત ગરબા ઉપર લાગુ કરવામાં આવેલા 18% જીએસટી અંગે નિવેદન આપ્યું કે ગરબા પર જીએસટી મુદ્દે વિપક્ષીઓ રાજકારણ કરી રહ્યા છે. કોઈ પણ કાર્યક્રમમાં ટિકિટ 500 રૂપિયા કરતાં વધુ હોય તો જીએસટી લાગુ પડે છે. પહેલાંથી જ આ ટેક્સ 15% હતો અને આજે દેશમાં એક સરખો ટેક્સ જ લાગુ છે.

શ્રદ્ધા અને સંસ્કૃતિ બન્ને મહત્ત્વના વિષય છે. જો કે વિપક્ષ પાસે અત્યારે કોઈ જ મુદ્દો ન હોવાથી તેમણે ગરબાને પકડી લીધા છે. જેમણે રાજ્ય ચલાવવાના સપના જોયા છે તેમને ટેક્સની ખબર જ પડતી નથી જે તેમનું દૂર્ભાગ્ય છે.

બીજી બાજુ સાબરકાંઠાના ગાંભોઈમાં નવજાતને જમીનમાં દાટી દેવાની ઘટનાને વખોડતાં હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કુકર્મ કરનાર આરોપી માતા-પિતાને પકડી પાડ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement