ભુજ, તા.5 : પાકિસ્તાનની સીમાને જોડતા કચ્છના હરામીનાળામાંથી આજે સતત બીજા દિવસે પાંચ પાકિસ્તાની બોટો મળી આવી હતી અને એક માછીમારની સીમા સુરક્ષા દળ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બીએસએફના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે બીએસએફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આંતરરાષ્ટ્રીય સીમા નજીક કેટલીક બોટની શંકાસ્પદ હિલચાલ માલુમ પડી હતી અને તુર્ત જ જવાનોની ટીમ ધસી ગઇ હતી
ત્યાંથી પાંચ બોટ કબ્જે લેવામાં આવી હતી. ઉપરાંત એક પાકિસ્તાની માછીમાર પણ ઝડપાઇ ગયો હતો. ખરાબ હવામાન અને જળસ્તર ઉંચુ હોવાથી ત્યાં પહોંચવાનું પણ પડકારજનક હતું. અન્ય કેટલાક માછીમારો પણ હતા પરંતુ તેઓ પાકિસ્તાન સીમામાં પરત નાસી ગયા હતા. જપ્ત કરાયેલી બોટની તલાસી લેવામાં આવી હતી જેમાં માછલી પકડવાની જાળ, માછીમારીના સાધનો મળી આવતા કોઇ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી.