રાજકોટમાં થિયેટરોમાં ફરી પ્રેક્ષકોનો દુકાળ: રાત્રિના શો બંધ કરવા પડે છે!

05 August 2022 04:11 PM
Rajkot Entertainment
  • રાજકોટમાં થિયેટરોમાં ફરી પ્રેક્ષકોનો દુકાળ: રાત્રિના શો બંધ કરવા પડે છે!

► આજની ફિલ્મોમાં પબ્લિકની જ બાદબાકી છે, પછી લોકો કયાંથી જુએ ફિલ્મ?: સિનેમા સંચાલકો

► બોલિવુડના આજના પ્રોડયુસરો પબ્લિક સાથે કનેકટ જ નથી હોતા, ફિલ્મોમાં પબ્લિકની વાત નહીં હોય તો લોકો કયાંથી ફિલ્મ જોશે? એક જમાનામાં મનમોહન દેસાઈ, એવીએમ, જેમિનીની ફિલ્મો હિટ જતી હતી તેનું કારણ તે પબ્લિક સાથે કનેકટ હતી, આજના પ્રોડયુસરો લોકોની નાડ નથી પારખી શકતા: રશ્મિભાઈ ભાલોડિયા ગેલેકસી વાળા: કોસ્મોપ્લેકસના અજયભાઈ બગડાઈ કહે છે-આજના પ્રોડયુસરો ફિલ્મ નથી બનાવતા, પ્રોજેકટ બનાવે છે, કન્ટેન્ટમાં દમ નથી હોતો

રાજકોટ તા.5 : સાઉથની ‘પુષ્પા: ધ રાઈઝ’, ‘આરઆરઆર’ તેમજ ‘કેજીએફ ચેપ્ટર-2’ જેવી સાઉથની ફિલ્મોએ સિનેમા હોલમાં કોરોના કાળના બે વર્ષ બાદ આવતા કરેલા એટલું જ નહીં બોકસ ઓફિસ પર બમ્પર કમાણી કરી મૃત:પ્રાય ફિલ્મ ઉદ્યોગને જીવંત કર્યો હતો ત્યાં ફરી સિનેમા હોલની માઠી દશા શરૂ થઈ છે. કારણ આ ફિલ્મો બાદ જે બોલિવુડની ફિલ્મો આવી છે તે થિયેટરો પર ઉંધે કાંધ પટકાઈ છે. યશરાજ ફિલ્મ્સ એક જમાનામાં સુપરહિટ ફિલ્મો આપતું હતું. આજે યશરાજ ફિલ્મ્સની સતત એક બિગ બજેટ ફિલ્મોએ બોકસ ઓફિસ પર પછડાટ ખાધી છે.

આ ફિલ્મો ‘સમ્રાટ પૃથ્વીરાજ’ હોય કે ‘જયેશભાઈ જોરદાર’, બોલિવુડની ‘ધી કશ્મીર ફાઈલ્સ’ અને ‘ભૂલ ભૂલૈયા-2’ ફિલ્મોએ થોડી લાજ રાખી છે. આ ફિલ્મો જોવા પબ્લીક સિનેમા હોલમાં આવી ગઈ છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી નવી લાગેલી ફિલ્મો ‘એક વિલન રિટર્નસ’, ‘વીઆર’ જેવી ફિલ્મોને ઓડિયન્સ નથી મળી રહ્યું, ત્યાં સુધી કે પૂરતા પ્રેક્ષકોના અભાવે સિનેમા સંચાલકોએ ફિલ્મના શો રદ્દ કરવા પડે છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં છેલ્લો શો યોજાતો જ નથી. મલ્ટી પ્લેકસ વાળા પણ મોટાભાગના મોટા સ્કીન બંધ કરી એકાદ બે નાના સ્ક્રીનમાં શો યોજતા હોય.

સિનેમા સંચાલકો કહે છે કે 20-22 પ્રેક્ષકોમાં શો યોજવો આર્થિક રીતે પણ પરવડતો નથી હોતા. આખરે શા માટે બોલિવુડની ફિલ્મોથી પ્રેક્ષકોએ મોઢું ફેરવી લીધુ છે, આ અંગે રાજકોટના ગેલેકસી સિનેમાવાળા અને સિંગલ સ્ક્રીન સિનેમા હોલ એસોસીએશનના પ્રમુખ રશ્મિભાઈ ભાલોડિયા જણાવે છે કે બોલિવુડમાં હવે એવા પિકચરો નથી બનતા જેમાં પબ્લિક કનેકટ થાય, દમ વગરની ફિલ્મ જોવા કોણ જોવા કોણ આવે? રશ્મિભાઈ વધુમાં કહે છે- એક જમાનામાં મનમોહન દેસાઈ જેવા ફિલ્મ સર્જકો પબ્લિકની નાડ પારખીને ફિલ્મો બનાવતા હતા, તેઓ જાણતા હતા કે પબ્લિકને શું જોઈએ છે. મનમોહન દેસાઈ ખુદ ચાલમાં રહેતા હતા

એટલે લોકોનો ટેસ્ટ સમજી શકતા હતા, જયારે આજની નવી પેઢીના ફિલ્મ મેકસે, નવા પ્રોડયુસર હાઈફાઈ લાઈફ સ્ટાઈલમાં જીવતા હોય છે. એમનો ઉછેર પણ હાઈફાઈ લાઈપ સ્ટાઈલમાં થયો હોય છે. તેઓ કયારેય પબ્લિક વચ્ચે જતા નથી. રશ્મિભાઈ કહે છે- અગાઉની ફિલ્મોમાં વાર્તા, ડાયલોગ, મ્યુઝિક બધુ જ સામાન્ય પબ્લિકને સ્પર્શતું હતું. આજે એવું નથી, રાજેશ ખન્નાની ફિલ્મો, તેની કથાઓ પબ્લિકને સ્પર્શતી હતી. અરે, એવીએમ, રાજશ્રી અને જેમિની જેવી સંસ્થાઓ સફળ પારિવારિક ફિલ્મો બનાવતી હતી. આ ફિલ્મો સામાન્ય પબ્લિકમાં કૂબ જ લોકપ્રિય થતી હતી. તેનું કારણ તેની વાર્તા, ગીત-સંગીત, સંવાદ આમજન સાથે કનેકટ થતી.

આજની ફિલ્મોમાં આવું કંઈ નથી. અગાઉની ફિલ્મો સાલચી અને આજની બોલિવુડ નથી ચાલતી તેનું કારણ એ છે કે અગાઉના પ્રોડયુસરો આમજન સાથે રહેતા હતા, આજે આ બાબત નથી. આવી જ કંઈક વાત કરે છે રાજકોટના મલ્ટીપ્લેકસ કોસ્મોપ્લેકસ વાળા અજયભાઈ બગડાઈ. તેઓ કહે છે- બોલિવુડની આજની ફિલ્મોમાં કન્ટેન્ટ (કથાવસ્તુ) જ સારું નથી હોતું. અજયભાઈ એવો કટાક્ષ કરે છે કે આજના પ્રોડયુસરો ફિલ્મ નથી બનાવતા પ્રોજેકટ બનાવે છે! પ્રોડયુસરો એક ટાર્ગેટ નકકી કરે કે આટલી ફિલ્મો બનાવી પરંતુ લખલૂંટ ખર્ચે બનતી આ ફિલ્મોના કન્ટેન્ટમાં જ પૂરતું ધ્યાન નથી અપાતું હોતું.

આજના પ્રોડયુસરોની ફિલ્મોમાં કોઈ ઈનોવેશન (નવીનતા) નથી હોતું. અગાઉની ફિલ્મોમાં પ્રોડયુસરો ડાયલોગ, મ્યુઝિક, કથા માટે ખાસ ટાઈમ આપતા હતા. અત્યારે કોઈને આવો ટાઈમ નથી, પૈસા પર જ ફોકસ કરાય છે. અજયભાઈ કહે છે ભારતીય પબ્લિક ફેમિલી, ઈમોશન, મ્યુઝિક, કોમેડી, એકશન ફિલ્મો જોવા આવે છે પરંતુ તેમાં દમ ન હોય તો ફિલ્મ કેમ ચાલે? અજયભાઈ કહે છે આગામી તહેવારો- રજાના દિવસોમાં આમિર ખાન સ્ટારર ‘લાલસિંહ ચઢ્ઢા’, અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ રિલીઝ થઈ રહી છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ ફિલ્મો ચાલશે. ટુંકમાં આજે માસને અપીલ કરે એવી ફિલ્મો નથી બનતી.

સિનેમા હોલ સામે પ્રેક્ષકોને મનોરંજનના વિકલ્પો પણ વધ્યા
એક જમાનામાં થિયેટરો ભરચકક રહેતા હતા તેનું એક કારણ લોકો પાસે વિકલ્પ નહોતો
રાજકોટ: આજે બોલિવુડની ફિલ્મોના ટિકિટબારી પર કંગાળ દેકાવ માટે ફિલ્મોમાં આમ પબ્લિકની ગેરહાજરી જોવા મળે છે. જેની પબ્લિક ફિલ્મ સાથે કનેકટ નથી થઈ શકતો પરિણામે સિનેમા હોલ સૂના રહી જાય છે. સાથે સાથે એ પણ બીજી હકીકત છે કે આજના ડિઝીટલ મનોરંજનના હરીફાઈના યુગમાં પબ્લિકને મનોરંજનના ઘણા વિકલ્પો પણ મળ્યા છે.

આજે પિકચર રિલીઝ થયા દિવસે જ ઓનલાઈન મોબાઈલ પર વિવિધ એપ પર ઉપલબ્ધ થઈ જાય છે. 200-300 રૂપિયાની ટિકિટમાં સામાન્ય ફિલ્મ થિયેટરમાં જોવાને બદલે લોકો ઘેર ટીવી, મોબાઈલમાં જોવાનું પસંદ કરે છે. ઓટીટી પ્લેટફોર્મ પર પણ થિયેટર રિલીઝના એક મહિનામાં ફિલ્મ ટીવી પર જોવાનું પસંદ કરે છે. આજકાલ સોસાયટીઓમાં હોમ થિયેટરની સુવિધા હોય છે પરિરામે સિનેમા હોલમાં લોકો ફિલ્મમાં જવાનું પસંદ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement