લોકો ફફડ્યા: તહેવારોમાં ઘર ‘રેઢા’ કેવી રીતે રાખશું ? દંડ વસૂલવા કરતા પોલીસે પેટ્રોલિંગ વધારવું જરૂરી !

05 August 2022 04:36 PM
Rajkot
  • લોકો ફફડ્યા: તહેવારોમાં ઘર ‘રેઢા’ કેવી રીતે રાખશું ? દંડ વસૂલવા કરતા પોલીસે પેટ્રોલિંગ વધારવું જરૂરી !

♦ રાજકોટ ‘ધાડપાડુ’ઓના નિશાન પર આવતાં નવી ચિંતા

♦ સચોટ બાતમીથી ધાડનું ષડયંત્ર નિષ્ફળ ગયું, દર વખતે પોલીસ ‘સફળ’ થઈ શકે ?!: જન્માષ્ટમીમાં હજારો લોકો ઘરને તાળાં મારીને ફરવા ઉપડી જાય છે, ધાડ-ચોરી થાય તો ‘મીની વેકેશન’ મોંઘું પડી જાય

♦ અત્યારે પોલીસ વાહનોને ‘લોક’ મારવામાં તેમજ નંબરપ્લેટ સહિતના દંડ વસૂલવામાં જ વ્યસ્ત હોય તેની સાથે સાથે રાત્રિપેટ્રોલિંગ સઘન બનાવવા લોકમાંગણી: અમીન માર્ગ સહિતના પોશ વિસ્તારો ગુનેગારોના નિશાન પર હોય અહીં ખાસ વોચ રાખવી જરૂરી

રાજકોટ, તા.5
શહેરના અત્યંત પોશ વિસ્તાર અમીન માર્ગ ઉપર ગત મધરાત્રે ધાડપાડુઓની ગેંગે એક બંગલાને નિશાન બનાવી લૂંટને અંજામ આપવા પ્રયાસ કરતાં સનસનાટી મચી જવા પામી હતી. આ વેળાએ પોલીસે સમયસર પહોંચી જઈને દિલધડક ઓપરેશન પાર પાડી લૂંટના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો અને છને પકડી પાડ્યા હતા. જો કે આ વેળાએ ફાયરિંગ અને પથ્થરમારો થઈ જતાં એક પીએસઆઈ પણ ઘાયલ થઈ ગયા છે.

આ બધાની વચ્ચે હવે રાજકોટ ફરી ધાડપાડુઓના નિશાન પર આવી જતાં શહેરીજનોમાં નવી ચિંતા જન્મી ગઈ છે. આ ઘટનાથી રીતસરના ફફડી ઉઠેલા લોકોના શ્વાસ એટલા માટે અધ્ધર ચડી ગયા છે કેમ કે સાતમ-આઠમ સહિતના તહેવારોને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસો બાકી છે અને તેમાં લોકોએ ફરવા જવા માટેનું પ્લાનિંગ કરી લીધું છે પરંતુ આ પ્રકારની ઘટના બની જતાં હવે ઘર રેઢું મુકીને ફરવા કેવી રીતે જવું ? તેવો સવાલ જનમાનસમાં ચકરાવે ચડી ગયો છે.

આ ઘટના બન્યા બાદ લોકોમાં પ્રબળ માંગણી ઉઠી રહી છે કે પોલીસે માત્ર ‘કહેવાતું’ પેટ્રોલિંગ કરવાની જગ્યાએ સચોટ પેટ્રોલિંગ કરીને દરેક વિસ્તાર ઉપર ખાસ વોચ રાખવી જોઈએ. જો આમ કરવામાં આવશે તો જ લોકો તહેવારોમાં નિરાંતમને ફરવા જઈ શકશે અન્યથા તહેવારોમાં રજાની મજા નહીં ઘરની ચોકીદારી કરવા સિવાય લોકો પાસે કોઈ રસ્તો નહીં બચે. લોકો એવો સૂર પણ વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ અત્યારે લગભગ દરેક વિસ્તારોમાં રોડ પર પડેલા વાહનોને લોક મારવા તેમજ નંબરપ્લેટ નહીં લગાવનારા અને નંબરપ્લેટ સાથે છેડછાડ કરનારા વાહનચાલકોને પકડીને તેમની પાસેથી દંડની વસૂલાત કરી રહી છે.

આ વસૂલાત થવી જ જોઈએ તેમાં કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ આ કામગીરીની સાથે જ પોલીસે તેની અત્યંત મહત્ત્વની ગણાતી પેટ્રોલિંગની કામગીરી પણ કરવી જ જોઈએ તો જ શહેરીજનો શાંતિની નિદ્રા માણી શકશે.

સચોટ બાતમી મળી જતાં ધાડનું ષડયંત્ર પોલીસે નિષ્ફળ બનાવી દીધું પરંતુ દર વખતે પોલીસ આ પ્રકારની ઘટનામાં સફળ થઈ શકશે ખરી ? તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. જો ગઈકાલે પોલીસ સમયસર ન પહોંચી હોત તો શું થઈ ગયું હોત તેની કલ્પના કરીને પણ લોકોની કંપારી છૂટી રહી છે. જન્માષ્ટમીના તહેવારોમાં શહેરના હજારો લોકો ઘરને તાળા મારીને ફરવા ઉપડી જતાં હોય છે અને આ વર્ષે પણ એવું જ થવાનું છે ત્યારે ધાડ-ચોરી થાય તો મીની વેકેશન માણવું મોંઘું પડી જાય તેમ હોવાથી અત્યારથી જ લોકો આગળ શું કરવું તેનું પ્લાનિંગ કરી રહ્યા છે.

તહેવારોમાં બહારગામ જતાં લોકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જ જોઈએ
પોલીસ દ્વારા દરેક વખતે અપીલ કરવામાં આવે છે કે તહેવારોમાં બહારગામ જનારા પરિવારોએ નજીકના પોલીસ સ્ટેશનમાં પોતાનું મકાન બંધ હોવાની જાણ કરવી જ જોઈએ...જો કે આ અપીલની બહેરાકાને કોઈ જ અસર થતી ન હોય તેવી રીતે હજુ પણ અનેક લોકો પોલીસને જાણ કર્યા વગર ફરવા ઉપડી જતાં હોવાથી પોલીસ અંધારામાં રહી જાય છે. જો સમયસર પોલીસને જાણ કરી દેવામાં આવે તો પોલીસ તે ઘર ઉપર ખાસ વોચ રાખી શકે એટલા માટે લોકોએ લાંબા સમય સુધી પોતાનું ઘર બંધ રહે તો પોલીસને અવશ્ય જાણ કરવી જ જોઈએ.

શહેરના 70% વિસ્તારોમાં હજુ પણ સીસીટીવીના નથી ઠેકાણા; આ જ ‘કમી’નો લાભ લઈ ગુનાઓને અપાય છે અંજામ
જાણવા મળતી વિગતો પ્રમાણે હજુ પણ શહેરના 70% વિસ્તારોમાં સીસીટીવી લગાવવાના ઠેકાણા ન હોવાથી તેનો લાભ લઈને ગુનેગારો ગુનાઓને અંજામ આપી રહ્યા છે. સોસાયટી તેમજ દુકાન-શો રૂમ બહાર સીસીટીવી લગાવવાની ઝુંબેશ જોર પકડી રહી છે આમ છતાં હજુ અનેક વેપારીઓ અને મકાનમાલિકો કેમેરા લગાવતાં ન હોય તેના કારણે લૂંટ, ધાડ, બૉડીક્રાઈમ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોએ સ્વેચ્છાએ જ કેમેરા લગાવીને શહેરને સુરક્ષિત કરવું જોઈએ તેવી એક માંગ પણ ઉઠી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement