કોંગ્રેસમાં ચૂંટણી એકશન શરૂ : નિરીક્ષક રાજકોટમાં

05 August 2022 04:45 PM
Rajkot Politics
  • કોંગ્રેસમાં ચૂંટણી એકશન શરૂ : નિરીક્ષક રાજકોટમાં

◙ વડા મથકે સીનીયર નેતાઓની બેઠક સાથે જ તમામ નિરીક્ષકો ‘ફીલ્ડ’માં

◙ લોકસભા મતક્ષેેત્ર દીઠ નિયુક્ત નિરીક્ષકોને જે-તે શહેરમાં મોકલાયા: રાજકોટમાં સાંજે બેઠક, ચારેય વિધાનસભા બેઠકોની સમીક્ષા

◙ નિરીક્ષકો ગ્રાઉન્ડ રીપોર્ટ નેતાગીરીને પાઠવશે ત્યારબાદ ઉમેદવાર પસંદગી જેવી અન્ય પ્રક્રિયા શરૂ થવાનો નિર્દેશ

રાજકોટ,તા. 5
વિધાનસભાના ચૂંટણી વર્ષમાં કોંગ્રેસ હવે રણનીતિક એકશનમાં આવી હોય તેમ લોકસભા મત ક્ષેત્ર દીઠ નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોને ફિલ્ડમાં ઉતારી દેવામાં આવ્યા છે. રાજકોટમાં આજે વિધાનસભાની ચાર બેઠકોની સમીક્ષા કરવા માટે નિરીક્ષક મહત્વપૂર્ણ બેઠક કરશે.

અમદાવાદમાં પાર્ટી હેડ ક્વાર્ટર ખાતે સિનિયર ઓર્બ્ઝવરો મિલીંદ દેવરા વગેેરેએ તમામ નિરીક્ષકો તથા સિનિયર આગેવાનો સાથે બેઠક કર્યા બાદ તૂર્ત જ જમીનીસ્તરની ચૂંટણી તૈયારી શરુ કરી દેવામાં આવી હોય તેમ આજથી તમામેતમામ નિરીક્ષકોને જે તે શહેર-જિલ્લામાં મોકલી દેવામાં આવ્યા છે.

રાજકોટની જવાબદારી ધરાવતા નિરીક્ષક એવા રાજસ્થાનના ખાણ ખનીજ મંત્રી પણ આજે રાજકોટ આવી ગયા છે.સાંજે પાંચ વાગ્યે નાગર બોર્ડીંગ ખાતે શહેર કોંગ્રેસના આગેવાનોની બેઠક રાખવામાં આવી છે. શહેર કોંગ્રેસના હોદેદારો, વિધાનસભા ચૂંટણી લડેલા ઉમેદવારો, વિવિધ મોરચા સેલના પ્રમુખો, વિપક્ષી નેતાઓ, પ્રદેશ સંગઠનમાં સ્થાન ધરાવતા આગેવાનોને બેઠકમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

આ મીટીંગમાં વર્તમાન રાજકીય સ્થિતિ અને સમીકરણોની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત બુથ મેનેજમેન્ટ સહિતના કામોની સમીક્ષા કરવામાં આવશે. નિરીક્ષક દ્વારા આવતીકાલે ગોંડલ અને જેતપુરમાં જિલ્લાના આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવનાર છે.

પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું છે કે, માત્ર રાજકોટ જ નહીં તમામ 26 જિલ્લાના નિરીક્ષકોને જે તે શહેર-જિલ્લામાં ત્રણ દિવસનો કેમ્પ કરવા અને આગેવાનો સાથે બેઠક કરીને પરિસ્થિતિ ચકાસવા કહેવામાં આવ્યું છે. નિરીક્ષકો ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કરીને નેતાગીરીને પાઠવશે. નિરીક્ષકો ટૂંકાગાળામાં બે વખત તેમના જવાબદારીવાળા શહેર-જિલ્લાની મુલાકાત લેનાર છે. વિસ્તૃત અને વિગતવાર રીપોર્ટ નેતાગીરીને સોંપાયા બાદ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement