મુંબઇ,તા. 5
શેરબજારમાં આજે તેજીનો વળાંક રહ્યો હતો. રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારો જાહેર છતા તેની કોઇ અસર ન હોય તેમ માર્કેટ ગ્રીન ઝોનમાં રહ્યું હતું અને સેન્સેક્સ 100 પોઇન્ટથી વધુનો સુધારો સુચવતો હતો. શેરબજારમાં આજે શરુઆત તેજીના ટોને જ થઇ હતી. રિઝર્વ બેન્કની વ્યાજ દર નિતીની સમીક્ષા હોવાથી તેના પર મીટ માંડવામાં આવતી હતી.
વ્યાજ દરમાં 0.25 થી 0.50 ટકાનો વધારો થવાની અટકળો વ્યક્ત થતી જ હતી અને તે મુજબ 0.50 ટકાનો રેપોરેટ વધારો જાહેર કરવામાં આવતા માર્કેટે તે કારણને ડીસ્કાઉન્ટ કરી દીધું હતું. ડોલર સામે રુપિયામાં આજે 25 પૈસા જેટલો સુધારો નોંધાતા સારી અસર થઇ હતી. વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી ચાલુ રહી હોવાથી પણ તેજીને ટેકો મળી રહ્યો હતો. જાણીતા શેરબ્રાકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજીના માહોલમાં આવી ગયું છે. રિટેઇલ ઇન્વેસ્ટરો પણ નવેસરથી એન્ટ્રી લેવા લાગ્યા હોવાથી માનસ તેજીનું બની રહ્યું છે.મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેકસ 100 પોઇન્ટના ઉછાળાથી 58,400 સાંપડ્યો હતો
જે ઉંચામાં 58,649 તથા નીચામાં 58,244 હતો. નિફટી 12 પોઇન્ટના સુધારાથી 17,393 હતો જે ઉંચામાં 17,474 તથા નીચામાં 17,348 હતો. મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, નેસ્લે, પાવર ગ્રીડ, ટીસીએસ, ટાઇટન જેવા શેરોમાં સુધારો હતો જ્યારે હિન્દાલકો, રિલાયન્સ, બ્રિટાનીયા, મહીન્દ્રા, આઈશર મોટર જેવા શેરો નબળા હતા. એલઆઈસીને ટોપ-500 કંપનીઓમાં સ્થાન મળતા તેમાં ખરીદી નીકળી હતી અને 16 રુપિયા જેટલો ઉંચકાઈને 690 સાંપડ્યો હતો. કરન્સી માર્કેટમાં બે દિવસના ગાબડા બાદ રુપિયામાં આજે 25 પૈસાનો ઉછાળો હતો અને 79.22 સાંપડ્યો હતો.