નવી દિલ્હી તા.5 : શિખોને વિમાનની ઘરેલુ ઉડાનોમાં કૃપાણ રાખવાની મંજુરી મળી ગઈ હતી, જેની સામે હિન્દુ સેનાએ વાંધા અરજી દાખલ કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો અને અરજી કરનારને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. આ અંગેની વિગત મુજબ સુપ્રીમ કોર્ટે બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિકયોરીટીના ફેસલાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો.
ખરેખર તો ઘરેલુ ઉડાનોમાં શિખ યાત્રીઓને વિમાનમાં કૃપાણ સાથે રાખવાની અનુમતી અપાઈ હતી. જેની સામે હિન્દુ સેનાએ અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે શિખોને કૃપાણ સાથે રાખવાની મંજુરી આપવાથી બીજા યાત્રીઓ પર ખતરો પેદા થશે. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજદારની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો.