રાજકોટ તા.05 : સોખડા ચોકડી પાસે મોટી મોલડીના કિશન વાઢેરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર ચોટીલાના મોટી મોલડીમાં રેહતા કિશનભાઈ લાલજીભાઈ વાઢેર (ઉ.વ.23) સોખડા ચોકડી નજીક આવેલ ઢોરા પાસે પડેલ હતાં જ્યાંથી પસાર થતાં રાહદારીની નજર પડતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ 108 ને જાણ કરી હતી. ઇએમટીએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને સિવિલે પીએમમાં ખસેડી તેના પરિવારને જાણ કરતાં પરિવાર સિવિલે દોડી આવ્યો હતો.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવક મૂળ મોટીમોલડી ગામનો રેહવાસી છે અને કુવાડવા નજીક આવેલ મઘરવાડમાં વાડી ભાગ્યું રાખી ખેતી કામ કરતો હતો. દરમિયાન ગત રોજ સાંજે પોતાનું બાઇક લઈ નીકળ્યા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું. કિશનના આપઘાત અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. તેમજ તે અપરિણીત અને ત્રણ ભાઈમાં મોટો હતો જેમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.