રાજકોટ,તા. 5
મવડી મેઇન રોડ ઓમનગર સર્કલ પાસે પટેલનગર સોસાયટી શેરી નં. 4માં રહેતા રીંકલબેન જયદીપભાઈ પાનસુરીયા (પટેલ) નામનાં પરિણીતાએ ગઇકાલે તેમના પરિવાર સાથે એક વર્ષના પુત્રની માનતા પુરી કરવા પટેલવાડી સામે આવેલા શિતળા માતાજીના મંદિર ગયા હતા. ત્યારે 5 ગ્રામ સોનાનું પેન્ડલ ચોરાયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં કરી હતી.
આ બનાવમાં રીંકલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિને કીચનવેરનું કારખાનુ છે. ગઇકાલે રિક્ષામાં બેસી માતા રંજનબેન તેમજ એક વર્ષના પુત્રને લઇ પુત્રની માનતા પૂરી કરવા શિતળા માતાજીના મંદિરે ગયા હતા ત્યારે મંદિરે દર્શન કર્યા બાદ મેળામાંથી ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે પુત્રના ગળામાં રહેલ સોનાનું પેન્ડલ જોવામાં ન આવતા માતા રંજનબેનને જાણ કરી હતી અને બાદમાં રુા. 25,000નું પેન્ડલ ચોરાયા અંગે ફરિયાદ કરી હતી. આ બનાવમાં ગઇકાલે ભક્તિનગર પોલીસ મથકના એચ.એમ. રાયજાદા, પુષ્પરાજસિંહ ગોહીલ અને મનીષ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો
ત્યારે સોરઠીયાવાડી સર્કલ પાસે બગીચામાં બેઠેલા એક મહિલા પાસે સોનાનુ પેન્ડલ હોય જે અંગે પુછપરછ કરતાં તેમજ બીલ માંગતા મહિલા ગલ્લાતલ્લા કરવા લાગી હતી અને પોતે કબૂલાત આપી હતી કે પટેલવાડી સામે શિતળા માતાજીના મંદિરે ભીડનો લાભ લઇ એક બાળકના ગળામાંથી પેન્ડલ ચોર્યુ છે.જે મામલે મહિલા મુન્નીબેન હિંમતભાઈ પરમાર (રહે.મેઢા ગામ, પાલીતાણા)ની ધરપકડ કરી તેની પાસેથી રુા. 15,000ની સોનાનું પેન્ડલ કબજે કરી આરોપી મહિલાને બી ડીવીઝન પોલીસ મથકમાં સોંપી હતી. મુન્ની વિરુધ્ધ અગાઉ પાલીતાણા પોલીસ મથકમાં આઠેક જેટલા દારુના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.