રાજકોટ,તા. 5 : નવા 80 ફુટ રોડ પર ખોડલ પેલેસમાં રહેતી શ્રધ્ધા ભગીરથસિંહ વાઘેલા નામની પરિણીતાએ પોતાના પિતા ગોપાલભાઈના ઘરે વિશ્વકર્મા સોસાયટી નં. 1માં હતી ત્યારે ફીનાઇલ ગટગટાવી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. શ્રધ્ધાબેને છ વર્ષ પહેલા ભગીરથસિંહ સાથે કોર્ટ મેરેજ કર્યા છે તેમજ તેમણે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમારા પાડોશમાં રહેતી આરતી દારુ વેચતી હોય જે અંગે પોલીસે બાતમીના આધારે થોડા દિવસ પહેલા રેઇડ કરી હતી. જો કે દારુ મળી આવ્યો નહતો. આ મામલે આરતી મારી સાથે માથાકૂટ કરવા લાગી હતી અને તે જ દારુની બાતમી આપી છે તેમ કહી માથાકૂટ કરી હતી. ત્યારબાદ મારા પતિ ડ્રાઇવીંગ કામ કરતા હોય તેઓ ઘરે આવતા મારી ગેરહાજરીમાં તેમણે મારી ખોટી વાતો કહેતા પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી મારી સાથે ઝઘડો કર્યો હતો. જેનાથી કંટાળી મેં આ પગલુ ભરી લીધું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી યુવતીનું નિવેદન લેવા તજવીજ શરુ કરી છે.