રાજકોટ: તા.05 : બેડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ટંકારાના હરબળીયાના આશાસ્પદ યુવક વિવેક તીલોથરાનું ઘટનાં સ્થળેજ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ યુવકને સિવિલે ખસેડયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર ટંકારના હરબળીયામાં રહેતાં અને રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા ટાટાના શો રૂમમાં નોકરી કરતાં વિવેક ભુપેન્દ્રભાઈ તીલોથરા (ઉ.વ.22) આજે વ્હેલી સવારે હરબળિયા થી નોકરી માટે આવવા નીકળ્યા હતાં ત્યારે બેડી પાસે બંધ પડેલા ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતા વાહનથી બચવા ટ્રક પાછળ બાઇક ઘુસી જતાં માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ યુવકને ટ્રક પાછળથી બહાર કાઢી સિવિલે ખસેડયો હતો. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ સિવિલે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમમાં ખસેડી પરિવારને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવક પોતાના ગામથી દરરોજ અપડાઉન કરતો હતો.અને તેના પિતા સુથારીકામ કરે છે અને બે ભાઈમાં નાના અને આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.