અનુષ્કા શર્મા, દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા બાદ હવે નેટફ્લિક્સ ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ સાથે આલિયા ભટ્ટ પણ નિર્માતા તરીકે ઝંપલાવી ચૂકી છે. ઑટીટી પ્લેટફોર્મ આમ પણ કોઈ ડેબ્યુટન્ટ પ્રોડ્યુસર એકદમ સુરક્ષિત વિકલ્પ બની રહે છે, કારણ કે મોટેભાગે ફિલ્મ પૂરી થતાં પહેલાં જ પ્રોડ્યુસરને નફાની સાથે તેની પડતર કિંમત પણ પાછી મળી જાય છે.
નેટફ્લિક્સ આમ પણ ભારતીય પ્રેક્ષકોને પોતાના તાબા હેઠળ લાવવાના ભરપૂર પ્રયત્નો કરી રહ્યું છે. હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ વીડિયોની સામે નેટફ્લિક્સ હજુ પણ વામણું પૂરવાર થઈ રહ્યું છે. બીજી મહત્વની વાત એ કે, ‘ડાર્લિંગ્સ’ની પ્રોડ્યુસર તો ઠીક, ડિરેક્ટર જસ્મીત કે. રીનએ પણ પહેલી જ વખત દિગ્દર્શનની ધુરા સંભાળી છે!
મુંબઈમાં રહેતાં પતિ-પત્ની હમઝા શેખ (વિજય વર્મા) અને બદરુ (આલિયા ભટ્ટ)ની વાત. જૂની વાર્તા, જેમાં દારૂડિયા પતિના હાથે પત્ની ઘરેલું હિંસાનો ભોગ બની રહી હોય અને તેની મારપીટ સહન કરતી હોય! ટિવસ્ટ ત્યાં આવે છે, જ્યારે એક દિવસ પત્ની બદલો લેવાની શરૂઆત કરે છે. અને એ પણ એક-બે નહીં, સેંકડો તક આપ્યા બાદ! આ કામમાં બદરુ ની મા શમશુનિસા અન્સારી (શેફાલી શાહ), ઝુલ્ફી (રોશન મેથ્યુ) અને કાસિમ (રાજેશ શર્મા) તેની મદદ કરે છે! ફિલ્મના લેખક વિજય મૌર્ય પોતે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં છે, જેઓ આ સમગ્ર કેસમાં શરૂઆતથી જ સંકળાયેલાં હોય છે.
મજાની વાત છે, ફિલ્મનો વિષય! ડાર્ક કોમેડી. ભારતીય સિનેમામાં ઓછો ખેડાયેલો પ્રકાર. જેવી રીતે હોરર કોમેડીનો પ્રકાર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘સ્ત્રી’ ફિલ્મ બાદ ફરી ચલણમાં આવ્યો છે, એવી જ રીતે ડાર્ક કોમેડી જોન્રેની ફિલ્મો ‘ડાર્લિંગ્સ’ બાદ વધુ બને તો નવાઈ નહીં! વિદ્યા બાલન અભિનીત ‘કહાની’ જેવી કલર-પેલેટ અને ટેક્સચરમાં બનેલી ફિલ્મ. ઉપરથી કોમેડી અને હ્યુમરનો મસાલો ભભરાવ્યો હોય એટલે જલ્સા જ જલ્સા પડે! એમાં પણ મિકા સિંઘના અવાજમાં ગવાયેલું ‘ડાર્લિંગ્સ’ ગીત ફિલ્મના મૂડને એલિવેટ કરવાનું કામ કરે.
ડિરેક્ટર તરીકે જસ્મીતે બહુ જ ધારદાર કામ કર્યુ છે. સ્ક્રિપ્ટ-સેન્સ બાબતે આલિયાએ પણ ફરી મેદાન માર્યુ છે. વિજય વર્મા અને શેફાલી શાહ તો રાબેતા મુજબ જોરદાર પર્ફોમન્સ આપી ચૂક્યા છે. હા, ફિલ્મની પેસ ધીમી લાગી શકે, ફર્સ્ટ-હાફમાં કંઈક અંશે કંટાળી પણ જવાય... આમ છતાં ફિલ્મને પડતી મૂકી દેવાની ઈચ્છા ન થાય! ધીરે ધીરે ફરી ફિલ્મ પાટા ઉપર ચડે. ટૂંકમાં કહેવું હોય તો, ધીમા ચૂલા ઉપર રાંધવામાં આવેલાં ધાનની માફક બનેલી આ ફિલ્મ ડાર્ક-લોહિયાળ કોમેડી જોવા ટેવાયેલા પ્રેક્ષકોને ચોક્કસ ગમશે.
કેમ જોવી?: ડાર્ક કોમેડીના ચાહક હો તો!
કેમ ન જોવી?: ગોકળગાયની ગતિએ ચાલનારી ફિલ્મોથી નફરત હોય તો!
-: ક્લાયમેક્સ :-
એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થયેલી ‘ક્રેશ કોર્સ’ વિશે પણ આ અઠવાડિયે માર્કેટ ગરમ છે! ચેતન ભગત જેવા એક્સ-એન્જિનિયર અને બેંકરને (અત્યારે બેસ્ટ-સેલિંગ રાઇટર) તેના પ્રમોશન માટે તોતિંગ રકમ આપવામાં આવી હોય, એટલે જોવું તો રહ્યું જ!
સાંજસ્ટાર:
ત્રણ ચોકલેટ
[email protected]