ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સની સંખ્યા 10 વર્ષમાં 16% ઘટી

06 August 2022 11:22 AM
Ahmedabad Gujarat Politics Rajkot
  • ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સની સંખ્યા 10 વર્ષમાં 16% ઘટી

♦ ચૂંટણી પંચના આંકડા રાજયના બદલાતા સામાજીક-આરોગ્ય ચિત્રને પણ રજૂ કરે છે

♦ 50 કે વધુ વર્ષના મતદારોની સંખ્યામાં 60%નો વધારો: 80 પ્લસ મતદારો 150% વધ્યા

♦ 2012માં નવા મતદારની સંખ્યા 1.34 લાખ હતી જે 2022માં ઘટીને 1.12 લાખ થઈ: અન્ય તમામ વય જૂથના મતદારોમાં વધારો

અમદાવાદ: દેશમાં ચૂંટણીપંચ દ્વારા ચાર વર્ષમાં ચાર વખત મતદાર યાદીમાં નામ ઉમેરવાના અભિયાનનો અમલ કરવામાં આવ્યો છે અને હવે ગુજરાતની ધારાસભા ચૂંટણીમાં તો એક મહત્વના નિર્ણયમાં જેઓ તા.1 ઓકટો. 2022ના પુર્વે 17 વર્ષની ઉમર મર્યાદા પુરી કરી દેશના મતદાર બનવા સક્ષમ હોય તેઓના નામ પણ મતદાર યાદીમાં જોડવામાં આવી રહ્યા છે અને વધુને વધુ યુવા વર્ગ જેઓ મતદાન કરવા માટેની યોગ્ય ઉમર ધરાવતા હોય અને જેના નામ મતદાર યાદીમાં સામેલ ન હોય તેને જોડવા માટે ખાસ અભિયાન પણ ચલાવાય છે તેમ છતાં પણ આ વર્ષ 2022માં ફર્સ્ટ ટાઈમ વોટર્સ જેઓ પ્રથમ વખત મતદાર બન્યા છે.

તેઓની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછી રહેશે. આ સંખ્યા 16% ઘટી છે. ચૂંટણી પંચનો ડેટા કહે છે કે ગુજરાતમાં 2012માં 18-19 વર્ષની ઉપરના 1.34 લાખ નવા નામ ઉમેરાયા હતા જે 2022માં 1.12 લાખ થયા છે અને જો વધુ આંકડા જોઈએ તો છેલ્લા પાંચ વર્ષ 2017-2022માં ફસ્ટ ટાઈમ વોટર્સ- નવા મતદાર નોંધણીમાં 9.6%નો ઘટાડો થયો છે.

આ આંકડા અનેક રસપ્રદ માહિતી આપે છે. મતદાર યાદીમાં ફકત ફર્સ્ટ ટાઈમ વોટર્સની સંખ્યા કે નવી નોંધણીમાં ઘટાડો થયો છે. અન્ય તમામ ઉમર-જૂથમાં મતદાર વધ્યા છે. 18થી49 વર્ષની વયના મતદારની સંખ્યા 2.82 કરોડમાંથી વધીને 3.26 કરોડ થઈ છે.

જે 15.5% નો વધારો દર્શાવે છે અને સૌથી આશ્ર્ચર્ય છે કે 50 વર્ષથી ઉપરની વયના મતદારની સંખ્યા છેલ્લા 10 વર્ષની સૌથી વધુ જોવા મળશે. 2012માં આ વય જૂથના કુલ મતદાર 98.56 લાખ હતા જેમાં 59% જેમાં વધારો થયો છે અને હવે આ ઉમર જૂથના મતદાર 1.57 કરોડ થયા છે. જો કે હજુ તા.1 ઓકટોબર સુધી પ્રથમ વખત મતદાર માટેની પ્રક્રિયા ચાલુ રહેશે પણ 50 વર્ષથી ઉપરની વયના મતદારોની સંખ્યા સતત વધી રહી છે જે લોકોની આખું મર્યાદા વધી છે તેનું દ્રષ્ટાંત છે.

50 થી વધુ વર્ષના ઉમરના મતદારો ખૂબ જ પીઢ હોય છે અને તે તેના મતદાર નિર્ણયમાં પણ પ્રભાવ પાડતા હોય છે. એટલું જ નહી 80 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા પણ વધી છે. 2012માં 80 વર્ષ કે તેથી વધુ ઉમરના મતદારોની સંખ્યા 4.26 લાખ હતી. જે હવે 2022માં તે વધીને 10.66 લાખની થઈ છે જે 150% જેવો વધારો દર્શાવે છે.

જો કે આ જૂથના મતદારોમાં જેઓના નિદાન થયા છે તેમના નામ મતદાર યાદીમાંથી ‘કમી’ થયા ન હોય તેવું પણ બની શકે છે. 2022માં અત્યાર સુધીના ડેટા મુજબ ગુજરાતમાં 4.83 કરોડ મતદારો છે જે ચૂંટણી પંચના 4.79 કરોડનો અંદાજ હતો.

આ પ્રકારના આંકડા અનેક મુદાઓ પર પ્રકાશ પાડે છે. જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે લોકોના જીવનની સરેરાશ આયુ મર્યાદા વધી છે તેથી 50 થી વધુ વર્ષના મતદારોની સંખ્યા વધી રહી છે અને યુવા મતદાર ઘટી રહ્યા છે તો આ સમગ્ર દેશનો એક પ્રવાહ છે.

નવા મતદારો માટે શિક્ષણ-રોજગાર મહત્વના મુદા, 29+ માટે મોંઘવારી-સ્થિરતાની ચિંતા
50થી વધુ વયના મતદારો સામાજીક સુરક્ષા-આરોગ્ય વિ. મુદાઓ પર વિચારે છે: કમીટી મતદારોની સંખ્યા વધુ
ગુજરાતમાં નવા નોંધાતા મતદારોની સંખ્યામાં ઘટાડા તથા 50 વર્ષની આસપાસ કે તેથી વધુ ઉમરના મતદારોની સંખ્યામાં વધારાના ફકત સામાજીક નહી રાજકીય પ્રભાવ પણ પડી શકે છે અને આગામી સમયની ધારાસભા ચૂંટણીમાં ચોકકસ પીઢ મતદારો રાજકીય ભાવિ નિશ્ચિત કરશે. મતદારોની પ્રોફાઈલમાં બદલાવની ભારતના રાજકીય પક્ષો ભાગ્યે જ ચિંતા કરતા હોય છે.

પરંતુ ખાસ કરીને એક તરફ નવા મતદારો માટે બહેતર શિક્ષણ તથા રોજગારની વ્યવસ્થા મહત્વ ધરાવે છે તો 29 થી 49 વર્ષના મતદારોને મોંઘવારી-રોજગારીમાં સ્થિરતા અને તેવા મુદાઓ વધુ મહત્વના બની જાય છે. 50 વર્ષથી વધુ વયના મતદારોમાં સામાજીક સુરક્ષા- આરોગ્ય તથા જાહેર આવાસ વ્યવસ્થા પણ મહત્વ ધરાવે છે. જયારે 80+ના મતદારોમાં મોટાભાગના મતદારો તેમના જૂના પક્ષને જ પસંદ કરે છે.

બીજી તરફ રાજયમાં નવા મતદાર નોંધણીમાં ખાસ કરીને આ ચૂંટણીમાં ઝુંબેશ જોવા મળી નહી. ચૂંટણીપંચે દર વર્ષે નવા મતદારોની ખાસ ઝુંબેશ ચાલતી હતી પણ આ વર્ષે તેનો સક્રીયતાનો અભાવ જોવા મળ્યો છે. નવા મતદારોમાં શાસન વિરોધી માનસિકતા વધુ હોય છે.


Related News

Loading...
Advertisement
Advertisement