સાણંદમાં ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ રૂા.725 કરોડમાં ટાટા મોટર્સે હસ્તગત કરી દીધો

08 August 2022 11:57 AM
Ahmedabad Gujarat Maharashtra
  • સાણંદમાં ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ રૂા.725 કરોડમાં ટાટા મોટર્સે હસ્તગત કરી દીધો

મુંબઈ,તા. 8 : ગુજરાતના સાણંદમાં ઓટો કંપની ફોર્ડ મોટર્સનો બંધ પડેલો પ્લાન્ટ ટાટા મોટર્સે 726 કરોડમાં ખરીદી લીધો છે. પ્લાન્ટ ખાતેના સ્ટાફને પણ ટાટા મોટર્સ નોકરી પર ચાલુ રાખશે. શેરબજારને ઇસ્યુ કરેલા સ્ટેટમેન્ટમાં કંપનીએ જણાવ્યું છે કે સાણંદ ખાતેના ફોર્ડ મોટર્સના પ્લાન્ટને ટાટા મોટર્સની સબસીડીયરી કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબીલીટી લીમીટેડ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે.

જમીન, વાહન ઉત્પાદન પ્લાન્ટ-મશીનરી ઉપરાંત કર્મચારીઓને પણ નોકરીમાં ચાલુ રાખવામાં આવશે. રૂા. 725.7 કરોડમાં ખરીદીના આ કરાર કરવામાં આવ્યા છે. કરાર અંતર્ગત ફોર્ડ મોટર્સ લીઝના ધોરણે પાવરટ્રેન મેન્યુફેકચરીંગ સુવિધાનો ઉપયોગ ચાલુ રાખશે. ટાટા મોટર્સની ઇલેક્ટ્રીક વ્હીકલ ઉત્પાદન આ પેટાકંપની દ્વારા ફોર્ડ મોટર્સના કર્મચારીઓને નોકરીની ઓફર કરવાનું પણ સ્વીકાર્યું છે. સરકાર તરફથી જરુરી મંજુરી અને પ્રક્રિયાના આધારે આ સોદો ફાઈનલ થશે. ગુજરાત સરકાર અને બન્ને કંપનીઓ વચ્ચે ગત મે મહિનામાં જ ત્રિપક્ષીય કરાર થયો હતો. તેમાં સોદાને મંજુરી આપવાની બાંહેધરી હતી.

સાણંદનો પ્લાન્ટ હસ્તગત કરતા હવે ટાટા મોટર્સને વાહન ઉત્પાદન વધારવામાં સરળતા રહેશે. કંપની વાર્ષિક પાંચ લાખથી વધુ વાહનોના વેચાણનો લક્ષ્યાંક રાખે છે. કંપની હાલ ક્ષમતાના 85 થી 90 ટકાની ક્ષમતાએ ઉત્પાદન કરે છે. નવા પ્લાન્ટથી ઉત્પાદન વધારવામાં સરળતા રહેશે. કંપની પુના, રનજગાંવ તથા સાણંદ પ્લાન્ટ ખાતે વાહનોનું ઉત્પાદન કરે છે. સાણંદના ઉત્પાદન પ્લાન્ટમાં હાલ 3 લાખ વાહન ઉત્પાદનની ક્ષમતા છે તે વધીને 4.20 લાખ ટન થશે. અને તે સાથે કુલ ઉત્પાદન 9 થી 10 લાખ વાહનનું શક્ય બનશે.


Related News

Loading...
Advertisement
Advertisement