ભારતમાં એક મહિનાની અંદર શરૂ થઈ જશે 5G મોબાઈલ સેવા

09 August 2022 11:42 AM
India Technology
  • ભારતમાં એક મહિનાની અંદર શરૂ થઈ જશે 5G મોબાઈલ સેવા

દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મહત્ત્વની જાહેરાત: વર્ષના અંત સુધીમાં સ્વદેશી રીતે વિકસિત-નિર્મિત 5G સ્ટેક કરી લેવાશે તૈયાર

નવીદિલ્હી, તા.9
દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે મહત્ત્વની જાહેરાત કરતાં કહ્યું કે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે 5જી સેવા અંદાજે એક મહિનાની અંદર શરૂ થઈ જશે. આ સેવાનો તમામ ક્ષેત્રોના વિકાસ ઉપર સકારાત્મક પ્રભાવ પડશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે એશિયા અને ઓશિનિયા ક્ષેત્ર માટે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના એક કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરવા દરમિયાન આ જાહેરાત કરી હતી.

મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે, ભારતમાં 5જી નેટવર્કને લાગુ કરવા માટે અમે વર્ષના અંત સુધી સ્વદેશી રીતે વિકસિત અને નિર્મિત 5જી સ્ટેક તૈયાર કરી લેશું. ભારતીય દૂરસંચાર બજારમાં વૃદ્ધિ મોદી સરકારની બજાર અનુકુળ નીતિઓને કારણે જ થઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો.

તેમણે કહ્યું કે અમે દૂરસંચાર ક્ષેત્રમાં અનેક સંરચનાત્મક અને પ્રક્રિયાત્મક સુધારાઓની શરૂઆત કરી છે. પરિણામે ભારતમાં તાજેતરમાં જ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની બોલીઓ લાગી છે.

1000 શહેરોમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરશે જીયો: એરટેલ પણ તૈયારીમાં
રિલાયન્સ જિયોએ અંદાજે એક હજાર શહેરોમાં 5જી સેવાઓ શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. રિલાયન્સ જિયો ઈન્ફોકૉમના ચેરમેન આકાશ અંબાણી આ અંગેનો સંકેત આપી ચૂક્યા છે કે આઝાદી કા અમૃત મહોત્સવને 5જી સાથે મનાવવામાં આવશે. આ સાથે જ ભારતી એરટેલે કહ્યું કે તેણે એરિક્સન, નોકિયા અને સેમસંગ સાથે 5જી નેટવર્ક સમજૂતિ કરી છે જેના હેઠળ આ મહિને ઉપકરણો બજારમાં લાવી દેવાશે.

5G સેવા શું મળશે લાભ
► સ્વાસ્થ્ય સેવાઓમાં ટેલીમેડિસિન સાથે સાથે તબીબી ક્ષેત્રમાં રોબોટના ઉપયોગમાં વધારો
► કૃષિ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ સચોટ રીતે થઈ શકશે. હવામાનની જાણકારીનો જડબેસલાક અંદાજ મેળવી શકાશે
► શિક્ષણ ક્ષેત્રમાં ઝડપી ઈન્ટરનેટ અને વધુ કનેક્ટિવિટીથી શ્રેષ્ઠ પરિણામ મળવાનું થશે શરૂ
► હોટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ રોબોટનો ઉપયોગ બનશે સંભવ
► વર્ચ્યુઅલ રિયાલિટીને આગળ વધારવામાં મળશે મદદ. આભાસી ટુરિઝમને મળશે પ્રોત્સાહન
► ડ્રાઈવર લેસ કાર અને ડ્રાઈવર લેસ મેટ્રોનું કરી શકાશે સંચાલન


Related News

Loading...
Advertisement
Advertisement