સૌરાષ્ટ્રભરમાં આશુરાની નમાઝ સાથે મહોર્રમ પર્વ મનાવતો મુસ્લિમ સમાજ : રાત્રે તાજીયા ઠંડા થશે

09 August 2022 12:19 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રભરમાં આશુરાની નમાઝ સાથે મહોર્રમ પર્વ મનાવતો મુસ્લિમ સમાજ : રાત્રે તાજીયા ઠંડા થશે

♦ કોરોનાના બે વર્ષ બાદ હઝરત ઇમામ હુસેન તથા તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં

♦ ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા : સવારે મસ્જીદોમાં આશુરાની વિશેષ નમાઝ અદા થઇ : કબ્રસ્તાનોમાં શ્રાધ્ધ તર્પણ તથા કરબલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પતો મુસ્લિમ સમાજ

રાજકોટ, તા. 9
હઝરત ઇમામ હુસેન અને તેના 7ર સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવાતા મહોર્રમના પર્વમાં ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કલાત્મક તાજીયાના ઝુલુસ રાજમાર્ગો પર નીકળ્યા હતા. આજે સવારના 10 કલાકે આશુરાની વિશેષ નમાઝ મુસ્લિમ બિરાદરોએ અદા કરી. તેમજ કબ્રસ્તાનોમાં શ્રાધ્ધ તર્પણ કરી કરબલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પીત કરી હતી.

અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના કાળના બે વર્ષ બાદ ગઇકાલે કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા જયારે આજે બપોરના જોહરની નમાઝ બાદ કલાત્મક તાજીયાના ઝુલુસ ફરી લાઇનદોરીમાં નિશ્ર્ચિત કરેલા રૂટ પર નીકળશે અને મોડી રાત્રે તાજીયા ટાઢા થશે.

સલાયા
સલાયામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર મોહર્રમ મનાવાઇ રહેલ છે. મહોર્રમ નિમિતે રાત્રે તકરીર તથા ધાર્મિક વ્યાખ્યાનના પ્રોગ્રામ યોજવામાં આવેલ. દરરોજ રાત્રીના સરબત, દુધ-કોલ્ડ્રીંકસ જનતાને ભેદ ભાવ વિના આપવામાં આવેલ હતું. ગઇકાલે સંઘર્ષ(સરઘસ)ની રાત્રી હોય વહેલી સવાર સુધી ધાર્મિક કાર્યક્રમો ઉજવાયેલ. આજે તાજીયા ટાઢા પડવાના હોય દિવસભર નિરધારીત રૂટ ઉપર તાજીયા ફરશે. હિન્દુ લત્તામાં તાજીયાના સ્વાગત થશે. ભાવીકો તેમજ શ્રીફળ વધેરી શ્રધ્ધા પ્રકટ કરે છે.

વાંકાનેર
પયગમ્બર સાહેબના નવાસા ઇમામ હુસેનની અઝીમ શહાદતની યાદમાં દર વર્ષે ઇસ્લામી પંચાંગના મહોર્રમ માસની દસમી તારીખે મુસ્લિમ સમુદાયમાં આશુરાનું પર્વ મનાવવામાં આવે છે. જે અંતર્ગત વાંકાનેરમાં તાજીયાઓ પડમાં આવ્યા બાદ મોડી રાત સુધી તાજીયાઓનું ઝુલુસ રાજમાર્ગો પર નીકળ્યું હતું. આ ઝુલુસ રૂટ મુજબ શહેરભરમાં ફરીને રાત્રે તાજીયાઓ ઠંડા થયા હતા.

ઉના
મુસ્લિમ ધર્મનો પવિત્ર તહેવાર કે જેમાં ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ એ ઇસ્લામ ધર્મ માટે કુરબાની વ્હોરી હતી. જે અનુલક્ષીને ઉના પંથકના વડાલા ખાતે મુસ્લિમ યંગ કમેટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૈયદા શકિનાના નામે સબીલ બનાવી તેમાં ઇમામ હુસેનના રોઝાની કલાકૃતિ એક સોફાની ઉપર બનાવવામાં આવી હતી. અને રોઝાની સામે સલામી કરવા માટે તેમના ઘોડાને શીશ જુકાવતું દ્રશ્ય બતાવવામાં આવેલ છે. જે કલાકૃતિ જોવા ઉના શહેર તેમજ આજુ-બાજુના ગામોના લોકો દર્શનનો લાભ મેળવવા ઉમટી રહ્યાં છે.

માણાવદર
માણાવદર નગરપાલિકાના સદસ્ય અને માણાવદર મુસ્લિમ જમાતના ટ્રસ્ટી નિશારભાઇ ઠેબાએ તાજીયાના માતમના ચોકમાં તથા તાજીયાના ઝુલુસના રૂટ ઉપર સાફ સફાઇ કરાવી ડી.ડી.ટી.નો છંટકાવ કરાવ્યો હતો તેમજ માણાવદર મુસ્લિમ જમાતના તાજીયાના દીદાર કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement