જસદણ-આટકોટ રોડના ગૌરવ પથનું ગૌરવ હણાયું

10 August 2022 10:16 AM
Jasdan
  • જસદણ-આટકોટ રોડના ગૌરવ પથનું ગૌરવ હણાયું

નરેશ ચોહલીયા જસદણ,તા.10
ભ્રષ્ટાચારના ભોરીંગમાં સપડાયેલ જસદણ નગરપાલિકા તંત્રના પાપે શહેરભરના રોડ-રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. છતાં જસદણ નગરપાલિકાના તંત્ર વાહકોના પેટનું પાણી પણ હલતું ન હોવાથી નગરજનોને આવા બિસ્માર રોડ પરથી નાછૂટકે પસાર થવું પડી રહ્યું છે.

જસદણ શહેરભરના મુખ્ય રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા હોવાથી રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે નગરજનોને સમજાતું નથી. જોકે આ બિસ્માર રસ્તા પરથી દરરોજ અનેક સરકારી બાબુઓ વાહનો લઈને પસાર પણ થાય છે. પરંતુ આ બિસ્માર રસ્તા પ્રશ્ર્ને તેમની આંખ પણ ઉઘડતી ન હોવાથી નગરજનો મુંજવણમાં મુકાઈ ગયા છે. અધૂરામાં પૂરું હાલ જસદણ શહેરને ગૌરવ અપાવતા આટકોટ રોડ પરના ગૌરવપથ-1માં ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી શહેરનું ગૌરવ હણાઈ જવા પામ્યું છે.

આ ગૌરવપથ પર પડેલા ખાડાઓ નગરજનો માટે કમ્મરતોડ બની જવા પામ્યા છે. છતાં વિકાસના મસમોટા બણગા ફૂંકનારા જસદણ નગરપાલિકાના પેધી ગયેલા સરકારી બાબુઓ અને પદાધિકારીઓ આ બિસ્માર રસ્તાનું રીપેરીંગ કરવામાં નીરસતા દાખવતા હોવાથી નગરજનો હવે ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે અને શહેરની આ બદતર હાલત હવે કોણ સુધારશે તેવા સવાલો ઉઠાવી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement