આવતીકાલે રક્ષાબંધન તથા શ્રાવણી યજ્ઞોપવિત સંસ્કાર

10 August 2022 10:23 AM
Rajkot Dharmik
  • આવતીકાલે રક્ષાબંધન તથા શ્રાવણી યજ્ઞોપવિત સંસ્કાર

ભાઇ ભગિનીના હૃદયમાં સ્નેહના સ્પંદનો જગાવતું પરસ્પર નિર્મળ, નિર્વિકાર નેહ નીતારતું શ્રાવણ સુદી પૂર્ણિમાને દિને આવતું રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનું ભવ્ય અલૌકિક અનુપમ અનોખુ પર્વ છે.

રક્ષાબંધન આપણને સાત્વિક દ્રષ્ટિ ધારણ કરવા સર્વેને સ્થુળ વાસના દ્રષ્ટિથી ન જોતા ઉપાસનાથી ઉભરતા ઉરથી નિહાળવાની પ્રેરણા અર્પે છે. આ સાત્વિક દ્રષ્ટિ વૃતિ માટે પવિત્રતાનું પાલન અનિવાર્ય છે. પવિત્રતા દ્વારા જ આપણે ભાઇ બહેનના પરમ પાવક સ્નેહ-ભીના સંબંધને વાસ્તવિક, વ્યાપક અને વિરાટ રૂપ અર્પી શકીએ.
રક્ષાબંધન એ તો ભાઇ-ભગિનીના અનુરાગ, આત્મીયતા અને અમર આસ્થાનું અજબ જીવંત, જવલંત પર્વ છે.

આ પૂર્ણિમા નાળીયેરી પૂર્ણિમા પણ કહેવાય છે. સાગર ખેડુઓ સાગરની સફર સુફળ રીતે પાળ પડે એ માટે પોતાની રોજી-રોટીના દાતા આરાધ્ય દેવ વરૂણ દેવની આ દિવસે શ્રીફળ વધેરી-પધરાવી પૂજા-અર્ચના કરે છે.

શ્રાવણ માસના શ્રવણ નક્ષત્રમાં આ પૂર્ણિમા આવતી હોઇ એને શ્રાવણી પૂનમ પણ કહેવાય છે. સતકર્મ કરવા, સત સંકલ્પ કરવાનો શ્રધ્યેય દિવસ એટલે શ્રાવણી
પૂનમ.

આ પર્વને બળેવ તરીકે પણ ઉદબોધન કરાય છે. આ પવિત્ર દિવસે બ્રહ્મદેવો જનોઇ ધારણ કરનારાઓ યજ્ઞોપવિત બદલે છે. યજ્ઞોપવિતને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે. ‘ઉપ’ એટલે, સમીપ નજદિક અને ‘નયન’ એટલે લઇ જવું.

ગુરૂ પાસે વેદાભ્યાસ માટે લઇ જવાની વિધિ એટલે ઉપનયન સંસ્કાર વેદ એટલે જાણવું. સત્યજ્ઞાન-બ્રહ્મજ્ઞાનની જાણકારી અર્થે પ્રવૃત થવાની કરવામાં આવતી સંસ્કાર વિધિ એટલે યજ્ઞોપવિત.

યજ્ઞોપવિતના ત્રણ તાર છે. આ ત્રણ તાર એટલે સત્વ, રજ અને તમ બીજા અર્થમાં જોઇએ તો જ્ઞાન, કર્મ અને ઉપાસના દેવઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણમાંથી મુકત થવાનો મોંઘેરો સંકેત આ સુત્ર યાને યજ્ઞોપવિત અર્થ છે.

યજ્ઞોપવિત જમણા કાન ઉપર શા માટે ધારણ કરાય છે ?
એક તો મર્યાદા અને શુધ્ધતાની દ્રષ્ટિએ કાન ઉપર ચડાવવી યોગ્ય છે. જયારે શાસ્ત્ર કહે છે જમણા કાનમાં આદિત્ય, વસુ, રૂદ્ર વિગેરે દેવતાઓનો વાસ છે. અત: જમણા કાનની આટલી મહતાને કારણે જમણા કાન ઉપર જનોઇ ચડાવવામાં આવે છે. જયારે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી એની ગહેરાઇમાં ઉતરીએ તો માનવ શરીરની મધ્યમાં વીર્યકોષ છે.

આ વીર્યકોષની શુધ્ધતા માટે ખાસ લોહિતિકા નામની રકતવાહિની કાન દ્વારા થઇ વિર્ય કોષમાં પ્રવેશે છે અને એને શુધ્ધ કરે છે. આ નાડીને સતત ગતિ મળે છે. એવું પણ કહેવાય છે કે, આ નસ દબાવાથી આનાથી લકવા, ડાયાબીટીસ જેવા જટીસ રોગો થવાની સમસ્યા ટળે છે. એકયુપ્રેસર થીયરી પણ આ જ સિધ્ધાંતને અનુસરે છે. અને એટલે જ આપણા આયુર્વેદના જ્ઞાતા, આર્યદ્રષ્ટાઓએ, સમજદારીપૂર્વક જમણા કાન ઉપર જનોઇ ધારણ કરવાનો આદેશ આપ્યો છે.

જનોઇના પ્રત્યેક તાંતણાને 96 વખત આવર્તન કરવામાં યાને કે વળ ચડાવવામાં આવે છે. 1પ તિથિ, 7 વાર, ર7 નક્ષત્ર, રપ તત્વ, 4 વેદ, 3 ગુણ, 12 મહિના, 3 કાળ આમ કુલ 96 થાય. સર્વેની મહતા અને મહિમા દર્શાવવા આ અંક નકકી કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement