દિપક વાસ્તવમાં શાની યાદગાર છે ?

10 August 2022 10:42 AM
Dharmik
  • દિપક વાસ્તવમાં શાની યાદગાર છે ?

પરમાત્મા શિવ સ્વયં જાગતી જયોત છે, સર્વ ગુણોના સાગર, અખુટ ખજાનાની સતા છે. જેમ ગાઢ, ઘોર અંધકારભર્યા વાતાવરણમાં દિપકની નાનકડી જયોત પણ સૌને આકર્ષિત કરે છે, અંધકારને દુર કરે છે, રોશની આપે છે તેમ વર્તમાન અજ્ઞાન અંધકારના સમયે જાગતી જયોત પરમાત્મા શિવનું અવતરણ જ વિશ્ર્વને રોશન કરે છે, ચારેબાજુ અજવાળુ ફેલાવે છે.. પરિણામે ગાયન થયુ - હે પ્રભુ! તુ અમને અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પરમ તે જ તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઇ જા.’

માટીનું કોડીયુ અને પ્રજજવલિત દિપક શરીર અને આત્માના રહસ્યને સિધ્ધ કરે છે. જેમ ખાલી માટીના કોડીયાની કોઇ વેલ્યુ નથી પરંતુ તેમાં દિપ પ્રજજવલિત થતા જ સૌના મસ્તક નમે છે, પૂજન યોગ્ય બનતા સૌ વંદન કરે છે તેમ આ શરીર પાંચ તત્વોનું બનેલુ માટીનું કોડીયુ (પાત્ર) છે જે અહીંયાથી જ મળ્યું છે અને અંતે અહીંયા જ છોડવાનું છે એટલે કે માટીનું પાત્ર અંતે માટીમાં જ સમાય જાય છે પરંતુ શરીરરૂપી માટીના પાત્રમાં જ આત્મારૂપી દિપકની પ્રવેશતા હોય ત્યારે જ તે કિંમતી બને છે, સૌના માનવીય બને છે.

દિપ એ દિપ જલે... ના કથન અનુસાર પરમાત્મા શિવ મહાજયોતિ સમસ્ત મનુષ્યની આત્મારૂપી જયોતને જગાવી રહ્યા છે. પરિણામે એકબીજાને પરમાત્માના દિવ્ય અવતરણનો શુભ સંદેશ મળતા જ સૌની જયોતિ જાગે છે જેની યાદગાર શિવાલયોમાં દિપમાલા કરવામાં આવે છે. જો દિપકમાં દિવેલ પુરાશે તો જ તે સદૈવ જાગ્રત રહેશે અને અજવાળુ પાથરશે તેમ આત્મારૂપી દિપકને પણ પ્રજજવલિત રાખવા પરમાત્મા શિવ જ્ઞાનરૂપી દિવેલ પુરી રહ્યા છે.

શ્રાવણ માસમાં ભકતજનો પ્રતિદિન શિવમંદિરોમાં દિપ જગાવી રોશન કરે છે જયારે શિવપિતા સમસ્ત વિશ્ર્વના દરેક મનુષ્યાત્માઓની જયોત જગાવી વિશ્ર્વને ચૈતન્ય શિવાલય બનાવી રહ્યા છે જયાં કયારેય કોઇનો આત્મારૂપી દિપક ઝાંખો પણ નહી પડે અને દાગ પણ નહીં લાગે અને અચાનક ઓલવાશે પણ નહીં જયાં પ્રતિદિન અજવાળુ જ હશે, ઘર ઘરમાં દીપમાલા હશે એટલે કે દરેકની આત્મારૂપી જયોત જાગ્રત હશે પરિણામે દુ:ખ, અશાંતિ, શોક કે ભયનું નામ નિશાન નહીં હોય તેથી જ ત્યાં સ્થુળ દીપકમાં પણ જરૂરત નહીં હોઇ, વર્તમાન સમયે આત્મારૂપી દિપકમાં જ્ઞાનનું દિવેલ રેડી જયોત જગાવવી એ જ વાસ્તવમાં દિપ તથા દિપમાલાની યાદગાર છે.


Related News

Loading...
Advertisement
Advertisement