ઘીના ઠામમાં ઘી : રાજકોટ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા રાજીનામુ પાછુ ખેંચી લેશે : ‘સમજાવટ’ સફળ

10 August 2022 11:26 AM
Rajkot Politics
  • ઘીના ઠામમાં ઘી : રાજકોટ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા રાજીનામુ પાછુ ખેંચી લેશે : ‘સમજાવટ’ સફળ

જિલ્લા પંચાયતમાં કે પક્ષ સાથે કોઇ વાદવિવાદ ન હોવાનો દાવો : વ્યક્તિગત કારણથી રાજીનામુ આપ્યું હતું પરંતુ પાર્ટીના આગ્રહથી હોદ્દા પર ચાલુ રહીશ : સહદેવસિંહ

રાજકોટ,તા.10
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ એકાએક રાજીનામુ ધરી દીધાને પગલે સર્જાયેલી રાજકીય ગરમી ઠંડી પડી ગઇ છે. ભાજપ નેતાગીરીએ હાથ ધરેલા સમજાવટના પ્રયત્નો સફળ થયા હોય તેમ રાજીનામુ પરત ખેંચવા માટે કારોબારી ચેરમેન માની હોવાના નિર્દેશ છે.

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ ભાજપ નેતાગીરીને એકાએક રાજીનામુ ધરી દેતા રાજકોટ જિલ્લા ભાજપમાં રાજકીય ગરમી સર્જાઇ ગઇ હતી અને આ પગલા પાછળના કારણ વિશે અનેકવિધ અટકળોનો દોર શરુ થઇ ગયો હતો. થોડા વખત અગાઉ જિલ્લા પંચાયતના આંતરિક રાજકીય વિવાદનું કારણ છે કે અન્ય કાંઇ તે વિશે ચર્ચા થવા લાગી હતી.

જો કે રાજીનામા પત્રમાં સહદેવસિંહ જાડેજાએ અંગત અને વ્યક્તિગત કારણ હોવાનું દર્શાવ્યું હતું. રાજીનામા પાછળના કારણનો કોઇ ફોડ પાડ્યો નહતો. એટલે જુદા-જુદા તર્કવિતર્કો વ્યક્ત થવા લાગ્યા હતા.

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરીયાએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે કારોબારી ચેરમેનને કોઇ નારાજગી ન હતી. પોતે તેમની સાથે વાતચીત કરી હતી અને ત્યારે પણ વ્યક્તિગત કારણ જ દર્શાવ્યું હતું. પોતે રાજીનામુ પાછુ ખેંચાવા સમજાવ્યા હતા અને તેઓ પણ સંમત થઇ ગયા હતા. કોઇ વિવાદ કે વિખવાદ ન હતો.

વ્યક્તિગત કારણોસર આપેલું રાજીનામુ પાછુ ખેંચી લેવા તેઓએ સંમતિ આપી હતી. રાજીનામા માત્ર જિલ્લા ભાજપ સંગઠનને જ આપવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કે તંત્રને અપાયું ન હતું એટલે અન્ય કોઇ કાર્યવાહી કરવાનો સવાલ રહેતો નથી.

કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ પણ વાતચીતમાં એવું સ્પષ્ટ કર્યું હતું કે કોઇ વિવાદને કારણે રાજીનામુ આપ્યું ન હતું. વ્યક્તિગત કારણ જ હતું પરંતુ હવે નેતાગીરીના આગ્રહને કારણે રાજીનામુ પાછુ ખેંચી લેવામાં આવશે. જિલ્લા પંચાયતમાં કે ભાજપ સંગઠન સાથે કોઇ વાદ-વિવાદ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement