1952માં ઈંગ્લેન્ડ સામે પહેલી જીતથી લઈ 2021માં WTCમાં રનર્સઅપ સુધી: આઝાદી બાદ ભારતે ક્રિકેટમાં વગાડી દીધો ડંકો

10 August 2022 11:49 AM
Sports Top News
  • 1952માં ઈંગ્લેન્ડ સામે પહેલી જીતથી લઈ 2021માં WTCમાં રનર્સઅપ સુધી: આઝાદી બાદ ભારતે ક્રિકેટમાં વગાડી દીધો ડંકો

1983ના વર્લ્ડકપમાં મળેલી જીત બાદ ટીમ ઈન્ડિયાની આખા વિશ્વમાં થઈ ગઈ બોલબાલા: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનને આપેલી હાર, સચિનનું ડેબ્યુ, ઈંગ્લેન્ડને નેટવેસ્ટ શ્રેણીમાં પરાજિત કરવા ઉપરાંત ટી-20 વર્લ્ડકપ, 2011ના વર્લ્ડકપ જીત સહિતની અનેક ઉપલબ્ધીઓ થઈ છે હાંસલ

નવીદિલ્હી, તા.10 : ભારતમાં 15 ઑગસ્ટ-1947 પૂર્ણ સ્વતંત્રતા સુધી બ્રિટને આપણા ઉપર રાજ કર્યું હતું. અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી ભારતમાં પોતાનું શાસન ચલાવ્યું હતું. ભારત અને બ્રિટન બન્નેમાં સમાન વાત જો કોઈ હોય તો એ ક્રિકેટ છે. આઝાદી પહેલાંથી જ ભારતમાં ક્રિકેટની બોલબાલા રહી હતી જે આજ સુધી જળવાયેલી છે. આઝાદી પહેલાં 1895-1902 સુધી ઈંગ્લેન્ડ વતી મહારાજા રણજીતસિંહ ક્રિકેટ રમતા હતા. ત્યારે આઝાદી મળ્યા પછી ભારતે ક્રિકેટમાં શું શું ઉપલબ્ધી હાંસલ કરી છે તે જાણી લેવું પણ અત્યંત જરૂરી બની જાય છે. ભારતીય ટીમને પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી ઈંગ્લેન્ડ વિરુદ્ધ વર્ષ 1952માં મળી હતી.

આ ટીમની આગેવાની વિજય હઝારે કરી રહ્યા હતા. મેચમાં વિનુ માંકડે 12 વિકેટ ખેડવી હતી જેની મદદથી ભારતે આ મેચ એક ઈનિંગ અને આઠ રને જીતી હતી. વિદેશી ધરતી પર ભારતને પહેલી જીત યુવા ટાઈગર પટોડીની આગેવાનીમાં ન્યુઝીલેન્ડ સામે મળી હતી. આ જીત ભારતને 1968માં મળી હતી. મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડને હરાવ્યાના બે વર્ષ બાદ મેન ઈન બ્લુએ વિન્ડિજના 1970-71ના પ્રવાસ પર વિદેશી ધરતી પર પહેલી શ્રેણી જીતી હતી. આ શ્રષણીમાં ભારતના મહાન બેટર સુનિલ ગાવસ્કરે વિન્ડિઝના ઘાતક આક્રમણ વિરુદ્ધ 774 રન બનાવ્યા હતા.

9 જૂનથી 25 જૂન-1983 સુધી આયોજિત ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટનું ત્રીજી સીઝન રમાઈ હતી. કપિલ દેવની આગેવાનીમાં ભારતે એ કમાલ કરી બતાવી જે કોઈએ સ્વપ્નમાં પણ વિચારી નહોતી. આ વર્લ્ડકપના ફાઈનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન વિન્ડિજને હરાવીને વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. વર્લ્ડકપ જીતના બે વર્ષ બાદ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે કમાલ કરતાં પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને ફાઈનલમાં હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આ શ્રેણીમાં રવિ શાસ્ત્રી પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યા હતા જેમણે 182 રન અને આઠ વિકેટ મેળવી હતી.

ક્રિકેટના ભગવાન ગણાતાં સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989માં કરાંચીમાં પાકિસ્તાન વિરુદ્ધ 16 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાના 24 વર્ષના કરિયરમાં 100 આંતરરાષ્ટ્રીય સદી બનાવી છે જે કોઈ બનાવી શક્યું નથી. 2002માં ઈંગ્લેન્ડમાં રમાયેલી નેટવેસ્ટ શ્રેણીમાં ટ્રોફી પર કબજો ટીમ ઈન્ડિયાએ જમાવ્યો હતો. આ દરમિયાન ભારતની આગેવાની ગાંગૂલી કરી રહ્યા હતા. તેમણે આ જીતની ઉજવણી ખાસ અંદાજમાં કરી હતી. તેણે લોર્ડસ ગ્રાઉન્ડની બાલ્કનીમાં ઉભા રહીને ટી-શર્ટ ઉતારીને તેને લહેરાવ્યું હતું.

ભારત માટે વર્ષ 2003નો વર્લ્ડકપ પણ ઘણો ખાસ રહ્યો હતો. આ સમયે ભારતની આગેવાની ગાંગૂલીના હાથમાં હતી જેની આગેવાનીમાં ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ તેમાં ભારતે કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. ભારત વતી 2007 અત્યંત સારું રહ્યું હતું. આ વર્ષે પહેલીવાર રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપને ભારતે જીત્યો હતો. 2007માં ભારતીય ટીમની કમાન મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં હતી. આ વર્લ્ડકપના ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો.

ભારતને વર્ષ 2009માં એક મોટી ઉપલબ્ધી હાંસલ થઈ હતી જ્યારે તેણે પહેલીવાર ટેસ્ટમાં નંબર વન બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આવું પહેલીવાર બન્યું જ્યારે વર્લ્ડ ક્રિકેટમાં ભારત ટેસ્ટમાં નંબર વન બન્યુંહતું. ભારતે 2000 બાદ 2008, 2012, 2018માં ચેમ્પિન્સ ટ્રોફી પણ જીતી છે. જ્યાર વર્ષ 2006, 2016, 2020માં ટીમ આ ટૂર્નામેન્ટમાં રનર્સઅપ રહી છે. ભારત માટે વર્ષ 2011 પણ અત્યંત ખાસ રહ્યું હતું. આ વર્ષે 28 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ ભારતે વર્લ્ડકપ ઉપર ફરીથી પોતાનો કબજો કર્યો હતો. ધોનીના નેતૃત્વમાં રમેલી ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો.

આ વર્લ્ડકપ સચિનનો અંતિમ વર્લ્ડકપ હતો. ગાબાના મેદાન પર ભારતીય ટીમે 32 વર્ષ બાદ વર્ષ 2021માં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ પહેલાં અહીં 1980માં ઑસ્ટ્રેલિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે જ ભારતે ઑસ્ટ્રેલિયાને 2-1થી શ્રેણીમાં હરાવ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ભારતે કમાલની રમત બતાવી હતી. જો કે તેના ફાઈનલમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ખીતાબ પોતાના નામે કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement