ગુજરાતમાં ખરિફ વાવેતર ગત વર્ષથી વધી ગયુ

10 August 2022 02:35 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં ખરિફ વાવેતર ગત વર્ષથી વધી ગયુ

મગફળીમાં 11 ટકા તથા કઠોળમાં 21 ટકાનો મોટો કાપ: કપાસનું વાવેતર 12 ટકાથી અધિક વધ્યુ: હવે માત્ર પાછોતરા પાક બાકી

અમદાવાદ તા.10
ગુજરાતમાં છુટાછવાયા વરસાદનો દોર જારી રહ્યો છે ત્યારે વાવેતર પણ સંતોષજનક સ્થિતિએ પહોંચી ગયું છે. ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તાર વધી ગયો છે.

ગુજરાતના કૃષિ વિભાગના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે 8મી ઓગષ્ટની સ્થિતિએ રાજયમાં ખરીફ પાકોનું વાવેતર 75.76 લાખ હેકટરમાં થઈ ગયું છે જે ગત વર્ષના 75.73 લાખ હેકટર કરતા વધુ છે. કપાસના વાવેતરમાં સરેરાશ 12.83 ટકાની વૃદ્ધિ થઈ છે અને 25.28 લાખ હેકટર થયું છે જે ગત વર્ષે 22.40 લાખ હેકટરમાં હતું. મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સિઝનમાં કપાસનું સરેરાશ વાવેતર 24 લાખ હેકટરમાં થયું હતું તેનાથી પણ આ વર્ષે વધી ગયુ છે.

સૌરાષ્ટ્રના મુખ્ય તેલીબીયા પાક ગણાતા મગફળીના વાવેતરમાં 19 ટકાનો મોટો કાપ છે. 8મી ઓગષ્ટની સ્થિતિએ મગફળીનું વાવેતર 16.93 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે 19 લાખ હેકટરમાં હતું. છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ 18.42 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થાય છે.

સૌરાષ્ટ્રમાં કપાસનો વાવેતર વિસ્તાર વધવા સાથે મગફળી ઉપરાંત કઠોળના વાવેતરમાં 21 ટકાનો મોટો કાપ આવ્યો છે. અડદનું વાવેતર 42.25 ટકા ઘટીને 87587 હેકટરમાં થયું છે. મગનું વાવેતર 22.12 ટકા ઘટીને 70407 હેકટર, તુવેરનું વાવેતર 7.82 ટકા ઘટીને 202637 હેકટરમાં નોંધાયું છે. તલીનું વાવેતર 27.17 ટકા ઘટીને 63589 હેકટરમાં થયું છે. રસપ્રદ વાત એ છે કે સરળ પાક તથા ઉંચા ભાવ છતાં સોયાબીનનું વાવેતર 3.09 ટકા ઘટીને 216579 હેકટરમાં થયું છે.

ધાન્ય પાકો પૈકી બાજરીનું વાવેતર 15.11 ટકા વધીને 180376 હેકટરમાં થયું છે. જયારે જુગારમાં 11.85 ટકાનો કાપ છે અને માત્ર 14782 હેકટરમાં જ વાવેતર થયું છે.

કૃષિ જાણકારોના કહેવા પ્રમાણે ચોમાસાનો અર્ધોઅર્ધ સમય પૂર્ણ થઈ ગયો છે. રાજયભરમાં સંતોષકારક વરસાદ પડી ગયો છે એટલે હવે ખરિફ વાવેતર પૂર્ણતાને આરે છે. પાછોતરા પાકના જ વાવેતર બાકી છે. પાછોતરા પાક એવા એરંડાના વાવેતરમાં 41.29 ટકા જેવો મોટો વધારો થયો છે. જો કે, કુલ વાવેતરનું ચિત્ર ઓગષ્ટના અંતે જ સ્પષ્ટ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement