તહેવારો નિમિત્તે શહેરના રેશનકાર્ડ ધારકોને 2.78 લાખ પાઉચ સિંગતેલ અને 11,500 ટન અનાજ વિતરણ શરૂ

10 August 2022 03:49 PM
Rajkot
  • તહેવારો નિમિત્તે શહેરના રેશનકાર્ડ ધારકોને 2.78 લાખ પાઉચ સિંગતેલ અને 11,500 ટન અનાજ વિતરણ શરૂ

રક્ષાબંધન, 15 ઓગસ્ટની રજામાં પણ વિતરણ ચાલુ રખાશે

રાજકોટ,તા. 10
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યનાં રેશનકાર્ડ ધારકોને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અંતર્ગત રાહતદરે સિંગતેલ અને ઘઉં, ચોખા સહિતના અનાજનું વિતરણનુંં આયોજન કરવામાં આવેલ છે અને તહેવારો નિમિત્તેનું આ વિતરણ પુરવઠા વિભાગ દ્વારા શરુ પણ કરી દેવામાં આવેલ છે.

પુરવઠા નિગમના સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને ચાલુ વર્ષે સૌપ્રથમવાર સિંગતેલના 1 લીટરના પાઉચ રુા. 100ના ભાવે આપવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરનાં રેશનકાર્ડ ધારકોને આ સિંગતેલના 2.78 લાખ પાઉચનું વિતરણ થનાર છે. પુરવઠા નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર સિંગતેલનું શહેરમાં રોજ 35 ટકા જેટલું વિતરણ શરુ થઇ ગયું છે. જ્યારે પ્રધાનમંત્રી યોજનાના ઘઉં, ચોખા અને રેગ્યુલર ઘઉં-ચોખાનું વિતરણ પણ શરુ થઇ ગયું છે.

ચાલુ માસ દરમિયાન રાજકોટ શહેરનાં રેશનકાર્ડ ધારકોને 11,500 ટન જેટલું અનાજનું વિતરણ થનાર છે. વધુમાં પુરવઠા નિગમના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પ્રધાનમંત્રી યોજનાના ઘઉં-ચોખાનું અત્યાર સુધીમાં 52 ટકા વિતરણ થઇ ગયું છે જ્યારે રેગ્યુલર અનાજ-ચોખાનું 53 ટકા વિતરણ થઇ ગયું છે. વધુમાં પુરવઠા નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન રેશનકાર્ડ ધારકોને સરળતાથી ખાદ્યતેલ અને અનાજ મળી રહે તે માટે રક્ષાબંધન અને 15 ઓગસ્ટની રજાઓ દરમિયાન પણ પુરવઠા નિગમના ગોડાઉન તથા રેશનીંગની દુકાનો ઉપરથી વિતરણ ચાલુ રહેનાર છે.


Related News

Loading...
Advertisement
Advertisement