12 ટકા વિજજોડાણોમાં ગેરરીતિ : 21 કરોડની વિજચોરી પકડાઈ

10 August 2022 03:51 PM
Rajkot
  • 12 ટકા વિજજોડાણોમાં ગેરરીતિ : 21 કરોડની વિજચોરી પકડાઈ

► જુલાઈ માસમાં પીજીવીસીએલે દરરોજ સરેરાશ 1 કરોડની વિજચોરી પકડી

► 61500 કનેકશનોમાંથી 7466માં વિજચોરી માલુમ પડી : સૌથી વધુ ભાવનગરમાં : રાજકોટ ગ્રામ્યમાં 2.60 કરોડ તથા રાજકોટ સીટીમાં 1.53 કરોડની વિજચોરી પકડાઈ

રાજકોટ,તા. 10
સૌરાષ્ટ્ર-કચ્છમાંથી વીજચોરી રોકવા માટે મહિનાઓથી એકધારી દરોડા કાર્યવાહી છતા વીજચોરી અટકતી ન હોય તેમ જુલાઈ મહિનામાં સરેરાશ દરરોજની 1 કરોડની વીજચોરી પકડવામાં આવી હતી. સમગ્ર મહિના દરમિયાન કુલ 21 કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ હતી.

પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપનીના સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જુલાઈ મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાં તમામ 12 વર્તુળ કચેરીઓ હેઠળ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 61,500 વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા અને તેમાં 7466માં વીજચોરી માલુમ પડી હતી. આ દ્રષ્ટિએ 12 ટકા વીજ જોડાણોમાં ગેરરીતિ અથવા વીજચોરી થતી હોવાનું ખુલ્યું હતું.જુદી-જુદી ટીમો હેઠળ વીજચોરો સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. રહેણાંકથી માંડીને ઔદ્યોગિક એકમોમાંથી પણ વીજચોરીનો પર્દાફાશ થયો હતો.

રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે સૌથી વધુ 3.26 કરોડની વીજચોરી ભાવનગર સર્કલમાંથી પકડાઇ હતી. જ્યારે બીજા ક્રમે રાજકોટ ગ્રામ્યમાંથી 2.60 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્યમાં 8642 વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા તેમાંથી 770માં ગેરરીતિ ખુલી હતી.

રાજકોટ શહેરમાં 9381 વીજ કનેકશનની ચકાસણીમાં 850માં વીજચોરી માલુમ પડી હતી અને 1.52 કરોડના બીલ ફટકારવામાં આવ્યા હતા. આ સિવાય મોરબીમાંથી 1.58 કરોડ, પોરબંદરમાંથી 1.33 કરોડ, જામનગરમાંથી 2.18 કરોડ, ભુજમાંથી 45 લાખ, અંજારમાંથી 1.47 કરોડ, જૂનાગઢમાંથી 1.34 કરોડ, અમરેલીમાંથી 2.25 કરોડ, બોટાદમાંથી 1.10 કરોડ અને સુરેન્દ્રનગરમાંથી 1.87 કરોડની વીજચોરી પકડવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement