રાજકોટથી PSI તરીકે શરૂઆત બાદ PGVCLમાં ડીવાયએસપી બી.સી.ઠક્કરના સુપરવિઝનમાં 51 કરોડની રિકવરી

10 August 2022 04:00 PM
Rajkot
  • રાજકોટથી PSI તરીકે શરૂઆત બાદ PGVCLમાં ડીવાયએસપી બી.સી.ઠક્કરના સુપરવિઝનમાં 51 કરોડની રિકવરી
  • રાજકોટથી PSI તરીકે શરૂઆત બાદ PGVCLમાં ડીવાયએસપી બી.સી.ઠક્કરના સુપરવિઝનમાં 51 કરોડની રિકવરી

► વીજચોરીના 38333 ગુના દાખલ કરાવ્યા તો 23 કરોડની વીજચોરી પકડી પાડી: રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાં બી.સી.ઠક્કરની કામગીરીથી વીજચોરોમાં ફફડાટ

► પીએસઆઈ તરીકે રાજકોટ તાલુકા, ભક્તિનગર પોલીસ મથક અને પીસીબીમાં ફરજ બજાવ્યા બાદ 2007માં પીઆઈ તરીકે મેળવ્યું પોસ્ટીંગ: 2019માં પીજીવીસીએલમાં ડીવાયએસપી તરીકે થયા કાર્યરત

રાજકોટ, તા.10 : રાજકોટમાં પીએસઆઈ તરીકે કાર્યકાળનો પ્રારંભ કર્યા બાદ અત્યારે પીજીવીસીએલના વિજિલન્સ વિભાગમાં ડીવાયએસપી તરીકે કાર્યરત બી.સી.ઠક્કરે પોતાના ત્રણ વર્ષના કાર્યકાળમાં વીજચોરો ઉપર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને પીજીવીસીએલની તિજોરી છલકાવી દીધી હોય તે રીતે 51 કરોડ રૂપિયાની વીજચોરી અંતર્ગતની રિકવરી કરતાં તેમનું નોંધ સરકાર સ્તરે લેવામાં આવી છે. ડીવાયએસપી બી.સી.ઠક્કરે 4-3-2019થી પોતાનો કાર્યકાળ શરૂ કર્યા બાદ વીજચોરીના 38333 ગુના દાખલ કર્યા છે તો તેમાંથી 26208 ગુનાઓનો નિકાલ પણ લાવી દીધો છે.

આ અંગે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં મુળ કચ્છના અને છેલ્લા 35 વર્ષથી રાજકોટમાં જ રહેતાં ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું કે તેમણે સૌથી પહેલાં રાજકોટથી જ પીએસઆઈ તરીકે કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો. તેમને પીએસઆઈ તરીકેનું સૌથી પહેલું પોસ્ટીંગ તાલુકા પોલીસ મથકમાં મળ્યું હતું. આ પછી તેમણે ભક્તિનગર અને પીસીબીમાં પીએસઆઈ તરીકે ઉમદા કાર્ય કર્યા બાદ 2007માં તેમને પીઆઈ તરીકેનું પોસ્ટીંગ મળતાં સૌથી પહેલાં તેમણે એસીબી જૂનાગઢમાં ફરજ બજાવી હતી. આ પછી વડોદરા અને તાપીના વ્યારા ખાતે પ્રશંસનીય કામગીરીની નોંધ લઈને તેમને માર્ચ-2019માં ડીવાયએસપી તરીકે પ્રમોશન મળ્યું હતું.

પ્રમોશન મેળવ્યા બાદ તેઓએ ગોધરા અને સુરતમાં ફરજ બજાવી હતી. આ પછી તેમની બદલી પીજીવીસીએલમાં ચીફ ઑફિસર તરીકે કરવામાં આવી હતી. ચીફ ઑફિસર તરીકે મુકાયા બાદ બી.સી.ઠક્કરે ત્રણ જ વર્ષની અંદર રાજકોટ, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં વીજચોરીના 38333 ગુના દાખલ કર્યા હતા તો 26208 ગુનાનો નિકાલ કરીને તેના પેટે રૂા.51,59,43,336ની રિકવરી કરી હતી. આ ઉપરાંત જેમણે 153 જેટલી પોલીસ સ્ટેશનની વિઝિટ પણ કરી હતી તો એચઓ. (જીયુવીએનએલ)ની 27 ડ્રાઈવ કરી હતી. આ ઉપરાંત એચ.ઓ.(જીયુવીએનએલ) ડ્રાઈવ દરમિયાન કેશ વીજચોરીના 203 કેસ કરી રૂા.21,07,49,000ની વીજચોરી પકડી પાડી હતી.

ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું કે અત્યારે તેમના હેઠળ આઠ જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન આવે છે અને તેમનું કામ વીજચોરી પકડવાનું છે. તેમણે આઠ મહિનાની અંદર જ 12,000 જેટલા વીજચોરીના ગુના નોંધ્યા છે. આ ઉપરાંત ચોટીલા, કચ્છ, વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી કરોડો રૂપિયાની વીજચોરી પકડી છે તો અનેક કિસ્સાઓમાં વીજચોરોને સજા પણ કરાવી છે. તાજેતરમાં જ તેમણે જામનગરની વડવાળા હોટેલમાં વીજ ચોરી પકડી પાડ્યા બાદ જુવેનાઈલ પોલીસ સ્ટેશન મારફતે વીજચોરી કરનાર હોટેલ માલિકને ત્રણ વર્ષની સજા અને વીજચોરીનો ત્રણગણો દંડ ફટકારાવ્યો હતો.

'સાંજ સમાચા૨' શુભેચ્છા મુલાકાતે આવેલા ડી.વાય.એસ.પી. ઠક્ક૨ તથા વિજયભાઈ મહેતા નજ૨ે પડે છે

ડીવાયએસપી ઠક્કરના પિતા ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે
‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં ડીવાયએસપી ઠક્કરે જણાવ્યું કે તેમના પિતા સ્વ.ચંદુલાલ જે.ઠક્કર ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પોતાને પણ નાનપણથી જ પોલીસમાં જવાનું સ્વપ્ન હોય તેમણે આ માટે રાત-દિવસ એક કરીને મહેનત કરી હતી અને તેમાં સફળતા મેળવતાં રાજકોટમાં પીએસઆઈ તરીકે પોસ્ટીંગ મેળવ્યું હતું. આ પછી તેમણે પાછું વળીને જોયા વગર મહેનત ચાલું રાખી હતી જેના ફળસ્વરૂપે તેમને પહેલાં પીઆઈ અને હવે ડીવાયએસપીનું પોસ્ટીંગ મળ્યું છે અને આગામી સમયમાં પણ તેઓ પોતાની ઉમદા કામગીરીની યશકલગીમાં વધુને વધુ પીછા ઉમેરવા માટે પ્રયત્નશીલ રહેશે.


જંગલેશ્વરમાં કોરોના બંદોબસ્ત, ભાવનગરમાં રથયાત્રા બંદોબસ્ત અને વડાપ્રધાનના બંદોબસ્ત બદલ મેળવ્યું છે પ્રશંસાપત્ર
ડીવાયએસપી બી.સી.ઠક્કરે પોતાના કાર્યકાળમાં અનેક પ્રશંસાપત્ર પણ સરકાર તરફથી મેળવ્યા છે. તેમને સૌથી પહેલું પ્રશંસાપત્ર કોરોનાકાળ વખતે જંગલેશ્વરમાં બંદોબસ્ત જાળવવા બદલ મળ્યું હતું. આ પછી ભાવનગરમાં નીકળતી રથયાત્રામાં ઉમદા બંદોબસ્ત જાળવવા બદલ એક નહીં બલ્કે બબ્બે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એચઓ ડ્રાઈવ બદલ 11 અને રાજકોટ રૂરલમાં વડાપ્રધાનના બંદોબસ્ત બદલ એક વખત પ્રશંસાપત્ર મળેલું છે.


Related News

Loading...
Advertisement
Advertisement