જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દર્દીને કેવી રીતે બચાવવા ? રાજકોટમાં દેશના ક્રિટિકલ કેર નિષ્ણાતોની કોન્ફરન્સ

10 August 2022 04:12 PM
Rajkot
  • જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દર્દીને કેવી રીતે બચાવવા ? રાજકોટમાં દેશના ક્રિટિકલ કેર નિષ્ણાતોની કોન્ફરન્સ
  • જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દર્દીને કેવી રીતે બચાવવા ? રાજકોટમાં દેશના ક્રિટિકલ કેર નિષ્ણાતોની કોન્ફરન્સ
  • જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દર્દીને કેવી રીતે બચાવવા ? રાજકોટમાં દેશના ક્રિટિકલ કેર નિષ્ણાતોની કોન્ફરન્સ

► ગંભીર પ્રકારના દર્દીની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી, બીપી ઘટી જાય કે હૃદયનું પમ્પીંગ ધીમું પડી જાય તો શું કરવું, દવા-ઈન્જેક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સહિતના મહત્ત્વના મુદ્દે કરાયેલું ગહન ચિંતન

રાજકોટ, તા.10 : રાજકોટ સહિત આખા દેશમાં છેલ્લા ઘરા સમયથી અલગ-અલગ પ્રકારની બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે આ પ્રકારની બીમારીઓ ગંભીર અને જીવલેણ બની રહી હોવાથી તેમાં ખાસ કરીને ક્રિટિકલ કેર નિષ્ણાત તબીબોની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. ભવિષ્યમાં ક્રિટિકલ કેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને સતત પોતાના સહિત ગુજરાતના ક્રિટિકલ કેર નિષ્ણાતના જ્ઞાનમાં વધારો થાય તેવા હેતુ સાથે તાજેતરમાં રાજકોટમાં ગુજરાતભરના ક્રિટિકલ કેર નિષ્ણાત તબોબીની બે દિવસની કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ક્રિટિકલ કેર ક્ષેત્રે વૈશ્વીક સ્તરે થયેલી નવી શોધ, મેડિસીન, ઈન્જેક્શન વગેરે બાબતે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. દરમિયાન ક્રિટિકલ કેર સોસાયટી ઑફ રાજકોટના પ્રેસિડેન્ટ ડૉ.સંકલ્પ વણઝારાએ જણાવ્યું કે દરેક મોટી હોસ્પિટલ માટે ક્રિટિકલ કેર નિષ્ણાત એ હવે પાયાની જરૂરિયાત છે.

► રાજકોટમાં પાંચ વર્ષ બાદ યોજાયેલી તબીબોની કોન્ફરન્સમાં રાજકોટ ઉપરાંત પૂના, કોચી, દિલ્હી, સુરત, વડોદરા સહિતના શહેરોના નામાંકિત ક્રિટિકલ કેર નિષ્ણાતોની ખાસ ઉપસ્થિતિ

ગંભીર બીમારી, કપરાં ઓપરેશન, દાઝેલા દર્દી, ચેપી રોગ, કોરોના સ્વાઈન ફ્લૂ, દરેક પ્રકારના પોઈઝનિંગના કેસ, કિડની, હૃદય, લીવર, ફેફસાના રોગ, સેપ્સીસ, ટ્રોમા (અકસ્માતમાં ઈજા), કેન્સર, કિમોથેરેપી, ટ્રાન્સપ્લાન્ટના કેસ, લુપસ જેવી વાની બીમારી, ન્યુમોનિયા, ડેંગ્યુ, કમળો, ઝેરી કમળો, સ્વાદુપીંડનો સાજો સહિત અનેક પ્રકારના રોગમાં હવે ક્રિટિકલ કેર નિષ્ણાતની સારવારની જરૂર વધી રહી છે. રાજકોટના ક્રિટિકલ કેર નિષ્ણાતો વિશ્વકક્ષાની સારવાર અહીંના દર્દીને મળતી રહે એ માટે પ્રયત્નશીલ છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના નાના સેન્ટરોમાં પણ પ્રાથમિક ક્રિટિકલ કેર મળી રહે એ માટે ક્રિટિકલ કેલ સોસાયટી દ્વારા નાના સેન્ટરોના તબીબોને પણ સતત આ બાબતે તાલીમ આપી નાની હોસ્પિટલોમાં ક્રિટિકલ સારવાર ઉપલબ્ધ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ઈમરજન્સીમાં સારી સારવાર મળી શકે અને જીવ બચી શકે તે માટે તબીબોને સતત તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે.

► જે પ્રકારે ગંભીર બીમારીઓ વધી રહી છે તેને જોતાં હવે મોટી જ નહીં નાની હોસ્પિટલોમાં પણ ક્રિટિકલ કેર ઉભું કરવું જરૂરી: ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પણ ઈમરજન્સીમાં નજીકની હોસ્પિટલોમાં સારી સારવાર મળી રહે તે માટે તબીબોને કરાઈ રહ્યા છે તાલીમબદ્ધ

ક્રિટિકલ કેર ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વની આ કોન્ફરન્સમાં નાના સેન્ટરોમાં જ્યાં ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે તેવી હોસ્પિટલોમાં ક્રિટિકલ કેરની સુવિધા વધુ સારી બની શકે એ વાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. કરમસદના ડૉ.ધવલ પ્રજાપતિ અને વડોદરાના ડૉ.રવિરાજ ગોહિલે ઈમરજન્સીમાં આવતાં ગંભીર પ્રકારના દર્દીની પ્રાથમીક સારવાર શું અને કેવી રીતે કરવી, ઓપરેશન વખતે દર્દીનું બીપી ઘટી જાય કે હૃદયનું પમ્પીંગ ધીમું પડી જાય, દર્દીની હાલત ગંભીર થઈ જાય ત્યારે કેવા પ્રકારની સારવાર, મેડિસીન, ઈન્જેક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે માહિતી આપી હતી. તેમણે ક્રિટિકલ દર્દીને નાના સેન્ટરથી મોટી હોસ્પિટલમાં ફેરવતી વખથે એમ્બ્યુલન્સ સહિત કયા પ્રકારની તૈયારી સાથે ટ્રાન્સફર કરવા જોઈએ એ વિશષ માહિતી આપી હતી. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ, પૂના, રાંચી, દિલ્હી, કોચીન, ભુવનેશ્વર, વડોદરા, સુરત સહિતના શહેરોના નામાંકિત ક્રિટિકલ કેર નિષ્ણાતોએ આ અંગે મહત્ત્વનું માર્ગદર્શન અને સલાહ આપી હતી.

► તબીબો દ્વારા લખાયેલુ-ભજવાયેલું ખાસ નાટક ‘ધી આઈસીયુ ફાઈલ્સ’નું નિદર્શન

ક્રિટિકલ કેર સોસાયટી ઑફ રાજકોટના સેક્રેટરી ડૉ.વિશાલ સાડતીયાએ જણાવ્યું કે દેશભરના નિષ્ણાત તબીબો દ્વારા ક્રિટિકલ કેર ક્ષેત્રે વર્તમાન સમયમાં થઈ રહેલી વિવિધ શોધ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વમાં મોલીક્યુલર થેરાપી, મોલીક્યુલર ડાયગ્નોસીસ, એક્મો, સીઆરઆરટી વગેરે આધુનિક સારવાર પદ્ધતિ, વિવિધ મેડિસીનની શોધ અને આ મેડિસીનના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ક્રિટિકલ કેર સોસાયટી ઑફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને અમદાવાદના ક્રિટિકલ કેર નિષ્ણાત ડૉ.રાજેશ મિશ્રા, પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડૉ.રાંચીના, ડૉ.પ્રદીપ ભટ્ટાચાર્ય, પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ.અતુલ કુલકર્ણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટથી ડૉ.સંકલ્પ વણઝારા, ડૉ.વિશાલ સાડતીયા, ક્રિટિકલ કેર સોસાયટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ડૉ.તેજસ કરમટા, ટ્રેઝરર ડૉ.અમિત પટેલ, ડૉ.ચિરાગ માત્રવાડિયા, ડૉ.જયેશ ડોબરીયા, ડૉ.તુષાર પટેલ, ડૉ.તેજસ મોતીવારસ, ડૉ.મીલાપ મશરુ, ડૉ.દિગ્વિજયસિંહ જાડેજા, ડૉ.મયંક ઠક્કર, ડૉ.અર્ચિત રાઠોડ, ડૉ.ભાવિન ગોર સહિતના નિષ્ણાત તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement