જમીનનો વિવાદ હોય તો પણ વિજ જોડાણ આપવાનો ઇન્કાર ન થઇ શકે : હાઈકોર્ટ

10 August 2022 04:17 PM
Ahmedabad Gujarat
  • જમીનનો વિવાદ હોય તો પણ વિજ જોડાણ આપવાનો ઇન્કાર ન થઇ શકે : હાઈકોર્ટ

વિજ કંપનીને જમીન વિવાદ સાથે કોઇ લેવાદેવા ન હોય, કબ્જેદાર જોડાણ માંગે એટલે આપવું પડે

અમદાવાદ,તા. 10
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો આદેશ કર્યો છે અને કાયદાની સ્પષ્ટતા કરી આપી છે કે કોઇ જમીનના માલિકને વીજ જોડાણ આપવાથી એ ગ્રાઉન્ડ પર ઇનકાર કરી શકાય નહીં કે જે તે જમીનનો વિવાદ પેન્ડીંગ છે. કોર્ટે હાઈકોર્ટના જ ડીવીઝન બેંચનાં ચુકાદાને ટાંકતા સ્પષ્ટ કર્યું હતું કે જમીન પરના હક્ક, ટાઈટલ કે માલિકીપણાના અધિકારને વીજળીના કનેકશનની મંજૂરી આપવા સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ હોતો નથી.

એક કેસમાં અરજદાર કે જે હાલમાં વિવાદીત જમીનના કબજેદાર છે તેમની રજૂઆત હતી કે જે જમીન પર તેમનો કબજો છે એ જમીન સરકારના નામે છે. મામલતદાર દ્વારા તેમની વિરુધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુજરાત લેન્ડ રેવન્યુ કોડના કાયદા હેઠળ તેમને જમીન પરથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. પોતાની દલીલને વધુ મજબૂત બનાવવા અરજદારે હાઈકોર્ટના ચુકાદાનો આધાર લીધો હતો.જેમાં જમીન પરના કોઇ પણ કબજેદારને વીજ જોડાણ આપવા અંગેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

એવી દલીલ પણ કરવામાં આવી હતી કે હાલમાં અરજદાર જ સંબંધિત જમીનના કબજેદાર છે અને ઓથોરિટી તેમને વીજળીનુંજોડાણ આપવાથી ઇનકાર કરી શકે નહીં. હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ કેસના અરજદાર સંબંધિત જમીનના કબજેદાર છે અને તેથી તેમણે વીજળી આપવાની માંગ કરી હતી. જો કે ઓથોરિટીએ એમ કહીને તેમને જોડાણ આપવાનો ઇનકાર કર્યો છે કે આ જમીન પર તેઓ દબાણકર્તા છે અને મૂળ જમીન સરકારની છે.

જો કે કાયદાની જોગવાઈ આ મામલે અત્યંત સ્પષ્ટ છે કે જો કોઇ જમીન કે પ્રિમાઇઝનો માલિક અથવા તો કબજેદાર વીજળીનું કનેકશન માંગે તો ઓથોરીટીએ વીજળી પુરી પાડવી પડે. હાઈકોર્ટની ડીવીઝન બેંચે પણ આ અનુસંધાને આદેશ કરેલો છે. હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે કાયદાની જોગવાઈ મુજબ વીજ કંપનીને એવો કોઇ અધિકાર કે સત્તા મળી નથી કે તેઓ નક્કી કરે કે જમીન કોની માલિકીની છે કે કોણ જવાબદાર છે. વીજળીનું જોડાણ આપવા અને જમીન પરની માલિકી કે કબજાવચ્ચે કોઇ સંબંધ નથી. તેથી કંપનીને આદેશ કરવામાં આવે છે કે તેઓ અરજદારની પ્રોપર્ટીને ઝડપથી વીજળીનું જોડાણ કાયદાની જોગવાઈઓ અન્વયે આપે.


Related News

Loading...
Advertisement
Advertisement