શેરબજારમાં રજાનો મુડ : ટુંકી વધઘટે સેન્સેકસમાં 70 પોઇન્ટનો ઘટાડો

10 August 2022 04:58 PM
Business India
  • શેરબજારમાં રજાનો મુડ : ટુંકી વધઘટે સેન્સેકસમાં 70 પોઇન્ટનો ઘટાડો

ટાટા કેમીકલ્સ ઉછળ્યો : આઇ.ટી. શેરો નરમ : રૂપિયો 16 પૈસા સ્ટ્રોંગ

રાજકોટ, તા. 10
મુંબઇ શેરબજારમાં આજે બેતરફી વધઘટ અને નિરસ વાતાવરણ વચ્ચે ઘટાડાનો ઝોક રહ્યો હતો અને સેન્સેકસમાં 70 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ગઇકાલની રજા બાદ આવતીકાલે પણ રજા આવી રહી છે અને ત્યારબાદ શનિ, રવિ, સોમ એમ સળંગ ત્રણ દિવસની રજા આવતી હોવાના કારણે નવા વેપારમાં સાવચેતીનું માનસ ઉભુ થયું હતું.

વિશ્વ બજારોમાં પણ મોટી વધઘટ ન રહેતા અને નવા કોઇ કારણોની ગેરહાજરીના કારણે સ્થાનિકમાં પણ કોઇ ખાસ ઉતાર ચડાવ ન હતો. મોટા ભાગના શેરો ટુંકી વધઘટમાં અટવાતા રહ્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે એક પછી એક સળંગ રજાઓના કારણે વેપારમાં સાવચેતી છે.

સાથોસાથ તહેવારોનો મુડ હોવાના કારણે વેપાર અને વધઘટ સંકડાઇ ગયા છે. આજે હિન્દાલકો, એપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંક, લાર્સન, રિલાયન્સ, ભારતી એરટેલ, ટાટા કેમીકલ્સ જેવા શેરોમાં ઉછાળો હતો. જયારે ઇન્ફોસીસ, કોટક બેંક, મારૂતિ, નેસલે, સ્ટેટ બેંક, ટીસીએસ, બજાજ ફાયનાન્સ, ટાઇટન, એશિયન પેઇન્ટસ વગેરે નબળા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેકસ 70 પોઇન્ટના ઘટાડાથી 58783 હતો જે ઉંચામાં 58984 તથા નીચામાં 58583 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 3 પોઇન્ટના ઘટાડાથી 17520 હતો જે ઉંચામાં 17566 તથા નીચામાં 17442 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 16 પૈસા વધીને 79.50 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement