સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો : 59,000ને પાર

11 August 2022 11:25 AM
Business India
  • સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો : 59,000ને પાર

શેરબજારમાં તેજીનો દોર સતત ચાલુ : ડોલર સામે રૂપિયો પણ 24 પૈસા ઉંચકાયો

રાજકોટ,તા.11
શેરબજારમાં તેજીનો દોર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે સેન્સેક્સ 600 પોઇન્ટના ઉછાળા સાથે 59,000ની મહત્વપૂર્ણ સપાટી કૂદાવી ગયો હતો અને હેવીવેઇટથી માંડીને મોટાભાગના શેરોમાં ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યું હતું. મુખ્ય પ્રભાવ અમેરિકાના આર્થિક આંકડાઓનો પડ્યો હતો. અમેરિકામાં મોંઘવારીનો દર અંદાજ કરતાં પણ નીચો આવતા વિશ્વ સ્તરે સારી અસર થઇ હતી. ભારત સહિતનાં અન્ય દેશોમાં પણ હવે ફુગાવો ઘટવાનો આશાવાદ ઉભો થયો હતો.

ઉપરાંત વ્યાજ દર વધારાના ટ્રેન્ડને પણ બ્રેક લાગે તેવી શક્યતા વ્યક્ત થવા લાગી હતી. આ સિવાય વિશ્વબજારોની તેજી, વિદેશી નાણા સંસ્થાઓની ધૂમ લેવાલી તથા ડોલર સામે ફરી વખત રુપિયાની મજબૂતાઈ જેવા કારણોએ તેજીને ટેકો આપ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજીના દોરમાં આવી ગયું છે અને ફરી વખત રીટેલ ઇન્વેસ્ટરો પ્રવેશ કરવા લાગ્યા હોવાથી તેજી આગળ ધપતી રહી છે.

શેરબજારમાં આજે આઈટી, બેન્ક સહિતના ક્ષેત્રોના શેરો લાઇટમાં હતા. વિપ્રો, ઇન્ફોસીસ, ટીસીએસ, ટેક મહીન્દ્ર, સ્ટેટ બેન્ક, ઇન્ડુસઇન્ડ બેન્ક, આઈશર મોટર, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, મારુતિ, નેસ્લે, રિલાયન્સ, ટાઈટન, એશિયન પેઇન્ટસ, બજાજ ફિન સર્વિસ ઉંચકાયા હતા. તેજી બજારે પણ હિન્દાલકો, ડીવીઝ લેબ, ગ્રાસીમ જેવા કેટલાક શેરો નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 600 પોઇન્ટના ઉછાળાથી 59415 હતો જે ઉંચામાં 59484 તથા નીચામાં 59320 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 158 પોઇન્ટ વધીને 17692 હતો જે ઉંચામાં 17719તથા નીચામાં 17668 હતો.કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો 24 પૈસા ઉંચકાઈને 79.28 સાંપડ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement